વર્તમાન બોડીની સંભવત: અંતિમ સામાન્ય સભા પણ બની રાજકીય અખાડો
કોરોના અને ખખડધજ રોડ-રસ્તાની બોર્ડમાં ચર્ચા કરવાની માંગ સાથે કોંગ્રેસે હંગામો મચાવ્યો: સભાગૃહમાં બેનરો ફરકાવ્યા, જમીન પર બેસી રામધુન બોલાવી: સ્ટે.કમીટીના ચેરમેન ઉદય કાનગડ અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયા વચ્ચે ઉગ્ર જીભાજોડી
માઈક બંધ કરવા છતાં કોંગ્રેસે હંગામો ચાલુ રાખતા મેયરે ચાર મિનિટ માટે જનરલ બોર્ડ સ્થગિત કરાવી દીધું: તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર: ૮૧ પૈકી એક પણ પ્રશ્નની બોર્ડમાં ચર્ચા ન થઈ શકી
રાજકોટ મહાનગર પાલિકામાં દર બે માસે મળતી સામાન્ય સભામાં રાજકોટ વાસીઓને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભાગૃહને રાજકીય અખાડામાં ફેરવી નાખતા હોય છે. વર્તમાન બોડીના આજે મળેલા સંભવત: અંતિમ જનરલ બોર્ડમાં પણ પ્રજાહિતના ૮૧ પૈકી એક પણ પ્રશ્ર્નની ચર્ચા થઈ ન હતી. શહેરમાં ફાટી નીકળેલા કોરોનાના રોગચાળા અને ખખડધજ રાજમાર્ગોની ચર્ચા કરવાની માંગ સાથે વિપક્ષે ઉગ્ર હંગામો મચાવતા સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ જનરલ બોર્ડનો ૪૫ મિનિટથી પણ ઓછા સમયમાં સંકેલો કરી નાખ્યો હતો. તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. સાથો સાથ એક શોક ઠરાવ અને ૩ અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરાઈ હતી. આજે જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના ૯ કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા.
રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૨ બોર્ડથી વિપક્ષ કોંગ્રેસ કોરોના અંગે ચર્ચા કરવાની માંગ કરી રહ્યું છે. છતાં શાસક દાદાગીરીથી બોર્ડ ચલાવે છે. આજે સવારે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરી કાળમાં સૌપ્રથમ બાંધકામ સમીતીના ચેરમેન મનિષ રાડીયાના પ્રોફેશનલ ટેકસ અંગેના સવાલની ચર્ચા શ કરવામાં આવી હતી. દરમિયાન વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ એવી માંગણી કરી હતી કે, આ પ્રશ્ર્નની ચર્ચા કરવાની કોઈ જરૂરીયાત નથી. હાલ શહેરમાં સતત વકરી રહેલા કોરોના તથા ચોમાસામાં ભારે વરસાદથી ખખડધજ બની ગયેલા રોડ રસ્તા અંગે બોર્ડમાં ચર્ચા થવી જોઈએ. આ મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદય કાનગડે એવી ટકોર કરી હતી કે, કોંગ્રેસ હવે ફૂટપાથીયા રાજકારણ પર આવી ગઈ છે. દરમિયાન કોંગ્રેસે કોરોના અને રસ્તા પ્રશ્ર્ને ચર્ચા કરવાની માંગ સાથે હંગામો ચાલુ રાખ્યો હતો.
કોર્પોરેટર મનીષ રાડીયાએ એવી માંગ ઉઠાવી હતી કે, તેઓના પ્રશ્ર્નોની ચર્ચા થઈ રહી છે ત્યારે તેઓનું જ માઈક ચાલુ રાખવામાં આવે અન્ય તમામ માઈક બંધ કરી દેવામાં આવે જેની સભા અધ્યક્ષે સ્વીકાર કર્યો હતો. માઈક બંધ કરી દીધા બાદ પણ કોંગ્રેસે હંગામો ચાલુ રાખ્યો હતો.
દરમિયાન મેયર બીનાબેન આચાર્યએ અધ્યક્ષ સ્થાનેથી બોર્ડ સ્થગીત કરી દેવાનો આદેશ કર્યો હતો. ચાર મિનિટ માટે બોર્ડની કામગીરી સ્થગીત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરી બોર્ડની કાર્યવાહી શરૂ થતાં કોંગ્રેસે રાજમાર્ગો પર પડી ગયેલા ફૂટ-ફૂટના ખાડા અંગેની બોર્ડમાં ચર્ચા કરવાની માંગ ફરી દોહરાવી હતી અને જમીન પર બેસી ગયા હતા. રસ્તા પર પડેલા ખાડાના ફોટા સાથેના બેનરો પણ કોંગી કોર્પોરેટરોએ સભાગૃહમાં ફરકાવ્યા હતા. મેયરે માર્સલોને સભાગૃહમાંથી કોંગ્રી કોર્પોરેટરોને બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વારંવાર ટકોર કરવા છતાં કોંગ્રી કોર્પોરેટરોએ હંગામો ચાલુ રાખતા મેયર બીનાબેન આચાર્યએ પ્રશ્ર્નોતરીકાળ ટૂંકાવી મુખ્ય એજન્ડા હાથ પર લેવાની સુચના આપી હતી. સમગ્ર બોર્ડની કામગીરી ૪૫ મિનિટમાં સમેટાઈ ગઈ હતી.
ભાજપ અને કોંગ્રેસના ૪૧ કોર્પોરેટરોએ બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં પ્રજાલક્ષી ૮૧ પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. જે પૈકી હંગામા વચ્ચે એકમાત્ર પ્રશ્ર્નની અધકચરી ચર્ચા થઈ શકી હતી. વર્તમાન બોડીના સંભવત: અંતિમ જનરલ બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોતરીકાળ પણ ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ સામ-સામી આક્ષેપબાજી અને ખોટા દેકારા કરવામાં વેડફી નાખ્યો હતો.
ઈલેષ ખેર નવા ચીફ ફાયર ઓફિસર
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં મુળ પાંચ દરખાસ્તો ઉપરાંત અરજન્ટ બિઝનેશ તરીકે રજૂ કરાયેલી ૩ દરખાસ્તોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. મહાપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી ચિફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી છે. જેને ભરવા માટે ગઈકાલે ઓફિસર સિલેકશન કમીટી દ્વારા ઈન્ટરવ્યુ લેવાયા બાદ આજે બોર્ડમાં અરજન્ટ બિઝનેશ દરખાસ્ત તરીકે ચિફ ફાયર ઓફિસરની જગ્યા માટે ઈલેષ વાલાભાઈ ખેરની ચિફ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક કરવા અરજી કરાઈ હતી જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. જ્યારે વોર્ડ નં.૮માં ટીપી સ્કીમ નં.૨ રાજકોટના ફાઈનલ પ્લોટ નં.૪૭૩ના સબ પ્લોટ નં.૪૭૩ (એ)માં બનાવવામાં આવેલી આવાસ યોજનાનું હિંગળાજનગર ટાઉનશીપ નામકરણ કરવા તથા ચુનારાવાડ વિસ્તારને જોડતા આજી નદી પર બનાવવામાં આવેલા બ્રીજને શ્રી રામનાથ મહાદેવ બ્રિજ નામકરણ કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટર વિનોદભાઈ પી.રાઠોડનું ગત ૧૮ જુલાઈના રોજ નિધન થતાં તેઓનો શોક ઠરાવ પણ બોર્ડમાં પસાર કરાયો હતો.
માર્સલની ઢીલી કામગીરી અને આદેશનો ઉલાળ્યો થતા મેયર લાલઘુમ
જનરલ બોર્ડની બેઠકમાં ફાયર બ્રિગેડના માર્સલને સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવતા હોય છે. તેઓએ સભા અધ્યક્ષ જે આદેશ આપે તેનું પાલન કરવાનું રહે છે. આજે જનરલ બોર્ડની બેઠકમાં જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો જમીન પર બેસી રામધૂન બોલાવા લાગ્યા હતા ત્યારે મેયરે માર્સલને એવો આદેશ આપ્યો હતો કે, હંગામો મચાવતા તમામને સભાગૃહમાંથી બહાર કાઢો, છતાં માર્સલે ધીમીગતિથી કામ કરતા મેયર ગુસ્સે ભરાયા હતા અને માર્સલને કડક શબ્દોમાં એવું કહ્યું હતું કે, જો તમારાથી આદેશનું પાલન ન થતું હોય તો અમે બીજી વ્યવસ્થા કરીએ. દરેક નગરસેવકને વ્યવસ્થીત ચેક કર્યા બાદ જ સભાગૃહમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે છતાં આજે કોંગ્રેસના કેટલાક નગરસેવકોએ ગૃહમાં ખખડધજ રાજમાર્ગોના ફોટા સાથેના બેનરો ફરકાવતા મેયર લાલઘુમ થઈ ગયા હતા અને તેઓએ એવી ટકોર કરી હતી કે, બધાને ચેક કર્યા બાદ જ ગૃહમાં પ્રવેશ અપાય છે તો કોંગ્રેસના નગરસેવકો પાસે આ બેનરો ક્યાંથી આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જનરલ બોર્ડમાં મેયરનો આદેશ ન માનનાર ૪ માર્સલ સામે સસ્પેન્શન સુધીના પગલા લેવા મેયર કમિશનરને ધગધગતો પત્ર લખ્યો હતો. હવે શું થશે તે જોવાનું રહ્યું.