- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે: જિલ્લામાં કુલ 2851 બ્લોકમાં કુલ 80,510 વિદ્યાર્થી પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 11 માર્ચથી લેવાનારી બોર્ડની પરીક્ષાની છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે તારીખ 6 માર્ચે ધોરણ 12ના પ્રશ્નપત્રો રાજકોટ લાવવામાં આવશે જ્યારે 7 માર્ચે ધોરણ 10ના પેપર રાજકોટ લેવાશે. બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર સંભવત ચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે. જિલ્લામાં કુલ 2851 બ્લોકમાં કુલ 80,510 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા માટે શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના માટે જિલ્લામાં જુદા જુદા 10 સ્થળએ હેલ્પલાઈન સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે.
જિલ્લાના તમામ કેન્દ્ર, બિલ્ડિંગ અને બ્લોક સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. ધોરણ 10 અને 12 બંનેમાં પાંચ-પાંચ ઝોન રાખવામાં આવ્યા છે. પેપર તપાસણી માટેના શિક્ષકોના ઓર્ડરો પણ વિદ્યાર્થીની હોલટિકિટની સાથે જ જાહેર કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથેસાથે પેપરોની તપાસણી માટેના મૂલ્યાંકન કેન્દ્રોને જાહેર કરી દેવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની હોલટિકિટની સાથે સાથે રાજકોટના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની પણ જાહેરાત કરી દીધી છે. ધો.12 સાયન્સના 4, કોમર્સનું 1, ધો.10ના 3 પેપર રાજકોટમાં જોવાશે.
ધો.10ની મૂલ્યાંકન કામગીરીમાં જ્ઞાન સહાયકોને પણ જોડવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષાના મૂલ્યાંકનમાં જ્ઞાન સહાયકોને પણ જોડવામાં આવશે. ધોરણ-10માં ભણાવવાનો અનુભવ હોય અને મૂલ્યાંકન કાર્ય કરવા માગતા હોય તેવા જ્ઞાન સહાયકો શાળાના લેટરહેડ પર વિગતો ભરી મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને રજૂ કરશે તો તેમને મૂલ્યાંકન કાર્યમાં જોડવામાં આવશે. આ જ રીતે શિક્ષકનું રજિસ્ટ્રેશન થયું હોય, પરંતુ મૂલ્યાંકન કાર્યનો ઓર્ડર થયો ન હોય તેઓ પણ મૂલ્યાંકન કાર્ય કરવા માગતા હોય તો તેમને પણ જોડવામાં આવશે.શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થવાની છે.
બોર્ડમાં નોંધાયેલી માધ્યમિક શાળાઓ દ્વારા વિષય અને માધ્યમ પ્રમાણે શિક્ષક રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. રજિસ્ટ્રેશન થયેલા વિષય અને માધ્યમને આધારે બોર્ડ દ્વારા વિષય શિક્ષકોને જવાબવહીઓના મૂલ્યાંકન માટેના હુકમો ઓનલાઈન કરવામાં આવ્યા છે. જોકે, હવે બોર્ડ દ્વારા અન્ય સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં શિક્ષકનું રજિસ્ટ્રેશન થયેલું હોય, પરંતુ જવાબવહીના મૂલ્યાંકનનો ઓનલાઇન હુકમ ન થયેલો હોય અને જો તે વિષય શિક્ષકને મૂલ્યાંકન કાર્યમાં જોડાવું હોય તો શાળાના આચાર્યના સહી-સિક્કાવાળા લેટરહેડ પર તમામ શૈક્ષણિક વિગતો, અનુભવ, છેલ્લા પગારની સંપૂર્ણ વિગતો દર્શાવી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને સુપરત કરવાથી કામગીરીમાં જોડાઈ શકશે.