બી.એસ.સી મેથેમેટિક્સના રીપીટર વિદ્યાર્થીઓને પડી મુશ્કેલી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદરની મોઢા કોલેજમાં પ્રશ્નપત્રો મોડા પહોંચ્યા હોવાનો છબરડો બારે આવ્યો છે. જેના લીધે રિપીટર તરીકે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પેપર મોડા પહોંચતા પરીક્ષા પણ મોડી શરૂ થઈ હતી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ વધુ ૨૦ મિનિટ વિદ્યાર્થીઓને પેપર લખવા માટે આપવી પડી હતી.
યુનિવર્સિટીના પ્રથમ તબક્કામાં બી.કોમ સેમ ૧ના જ પ્રથમ પેપર અંગ્રેજીમાં જ ૧૦ માર્ક્સની ભૂલ સામે આવી હતી. તે સમયે ૧૦ માર્કની ટૂંકી નોંધ ૨૦ માર્કમાં પૂછી બીજી ભૂલ યુનિવર્સિટીના સત્તાધીશોએ કરી હતી. ત્યારે પરીક્ષા ના બીજા તબક્કામાં પેપર મોડા પહોચ્યાની ઘટના સામે આવી છે. પોરબંદરની મોઢા કોલેજમાં બીએસ.સી સેમ ૩ મેથેમેટિક્સની પરીક્ષા આપતા રિપિટર વિદ્યાર્થીઓના પેપર ૨૦ મિનિટ મોડા પહોંચ્યા હતા જેને લીધે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જોકે થોડા સમય બાદ પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચતા વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત પડ્યો હતો અને પરીક્ષા શરૂ થઈ હતી. સવારે ૧૦:૩૦ ને બદલે ૧૦:૫૦ના પ્રશ્નપત્ર પહોંચતા પરીક્ષા ૨૦ મિનિટ મોડી શરૂ થઈ હતી જેથી ૧ વાગ્યે જે પરીક્ષા પૂરી થાય તે ૧:૨૦ વાગ્યે પુરી થઈ હતી.
પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓબઝર્વર કેટલાક પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યાં ન હતા યુનિવર્સિટીએ ૨૨૫ આધ્યાપકોને ઓબ્ઝર્વિંગ માટેના ઑર્ડર આપ્યા હતા પરંતુ તેમાંથી ૫૦ આધ્યાપકોએ કોઈ ને કોઈ કારણોસર ઓબ્ઝર્વિંગ માટે જવાની ના પાડી હતી. પરીક્ષા વિભાગ પરીક્ષા દરમિયાન વાંરવાર ગંભીર પ્રકારના છબરડા આચરે છે પરંતુ તેના પર અંકુશ માટે ની કોઈપણ વ્યવસ્થા કરવામાં આવતી નથી.