સાવધાની હટી, દુર્ઘટના ઘટી… તહેવારોમાં ખરીદી કરવા બજારોમાં લોકોની ભીડ મોટી ચિંતાનું કારણરાજયમાં ફરી કોરોનાના એક્ટિવ કેસ 200ને પાર જામનગરમાં એક જ પરિવારના પાંચ લોકો સંક્રમિત
છેલ્લાં દોઢેક માસથી વિશ્વ આખાને દંઝાડી રહેલા કોરોનાએ હાલ ભારતમાં તો પોતાનો ધમાસાણ શાંત કર્યું છે. એટલે જ તો દિવાળીના તહેવારની ઉજવણીમાં લોકો ટેસથી જોડાઈ રહ્યા છે. ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પણ સાવધાની હટી…. દુર્ઘટના ઘટી…. ની જેમ જો લોકો સાવચેતી રાખી કોવિડ-19ને સુસંગત વર્તુણુંક નહીં કરે તો કોરોના ફરી ઉથલો મારી શકે છે.
કેસ ઘટતા, રિકવરી રેટ વધતા સરકાર પણ નિયમોમાં છૂટછાટ આપી રહી છે. પણ સાવચેતી અનિવાર્ય છે. ગત માર્ચ માસ સુધી રહેલી બીજી લહેરની સ્થિતિ ભૂલી ન જવી જોઈએ…!! બજારમાં ભીડ જોતા લાગે છે કે દિવાળી પછી કોરોના બૉમ્બ ફૂટી શકે છે. આ કોરોના વિસ્ફોટ હવે ન થાય તે માટે સાવચેતી અને નિયમ પાલન સાથે દિવાળી, નૂતન વર્ષની ઉજવણી ખૂબ જરૂરી છે.
એમાં પણ સૌથી મોટી ચિંતા એ છે કે ગુજરાતમાં ફરી એક્ટિવ કેસ 200ને પાર થઈ ગયા છે. રાજ્યમાં ફરીથી દૈનિક પોઝિટિવ કેસોમાં 30-પ્લસનો વધારો થયો છે. સક્રિય કેસ ફરી 208 પર પહોંચી ગયા છે. એમાં પણ જામનગરમાં તબીબી પરિવારના 5 સભ્યો કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ મચી ગયો છે. ધીમા દરે ખરા પણ ગુજરાતમાં વધતા કેસો મોટી ચિંતાનું કારણ છે.
જામનગરના તમામ પાંચ કેસ ડોક્ટરન પરિવારના છે. સ્થાનિક અધિકારીઓએ આ અંગે માહિતી આપતા કહ્યું કે તેમની પાસે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પણ પરિવારના 72 વર્ષીય વ્યક્તિએ તાવની ફરિયાદ કરી અને કોરોનાનો રિપોર્ટ કરાવતા તે પોઝિટીવ આવ્યો. જો કે ત્યારબાદ સમગ્ર પરિવારની તપાસ કરવામાં આવી. તમામના રિપોર્ટ પોઝિટીવ નીકળ્યા. ચાર લોકોને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે.
જ્યારે 72 વર્ષીય વરિષ્ઠ નાગરિકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે નવા પોઝિટિવ કેસમાં જામનગર અને વડોદરા શહેરમાંથી 5-5, વલસાડમાંથી 4, સુરત શહેર અને જિલ્લામાંથી 3-3, અમદાવાદ અને રાજકોટ શહેરમાંથી 2-2, આણંદ, જૂનાગઢ અને કચ્છ ઉપરાંત નવસારી જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે.
સૌથી ઓછા રસીકરણવાળા 40 જીલ્લાઓનાં કલેકટરને મોદીનું તેડુ
હાલ કોરોના સામે બચવા માટે નિયમ પાલન તેમજ રસીકરણ જ એક અમોધ શસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા એવા ભારતના રસીકરણ અભિયાન હેઠળ તાજેતરમાં સો કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં સો કરોડનો આંકડો પાર થતાં હાલ છેવાડાના પછાત વિસ્તારો તેમજ પહાડી વિસ્તારમાં રસીકરણ ઝડપી બનાવવા પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે માટે તાજેતરમાં સરકારે ‘હર ઘર દસ્તક’ નામે નવી મુહિમ પણ શરૂ કરી છે. દેશમાં 40 એવા જિલ્લાઓ નોંધાયા છે જ્યાં રસીકરણ કુલ વસ્તીના 50%થી પણ ઓછું નોંધાયું હોય. આવા ઓછા રસીકરણ વાળા જિલ્લાઓના કલેકટરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેડું આવ્યું છે.
જે જિલ્લાઓમાં 50 ટકા કરતાં પણ ઓછું રસીકરણ થયું છે. તે જિલ્લામાં રસીકરણ હવે વધું કેવી રીતે ઝડપી બનાવી શકાય..? આગામી ટૂંક સમયમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક કઈ રીતે હાંસલ કરી શકાય…? તે મુદ્દે ચર્ચા કરવા જિલ્લા સમાહર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક કરવાના છે સંભવત આ બેઠક આગામી ૩જી નવેમ્બરે યોજવામાં આવે તેવી શક્યતા છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પાંચ દિવસીય પ્રવાસે છે. યુરોપનો પ્રવાસ ખેડી આવ્યાને તરત જ મોદી કલેકટરો સાથે બેઠક યોજશે. આ દરમ્યાન સંબધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
દેશમાં આઠ મહિના બાદ સાપ્તાહિક કેસ 1 લાખથી નીચે
ભારતમાં કેસ ઘટતા ક્રમમાં પણ તહેવારોમાં સાવચેતી અનિવાર્ય
વિશ્વમાં રશિયામાં હાલ કોરોના તરખાટ મચાવી રહ્યો છે તો આ સરખામણીમાં ભારતમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. એમાં પણ દિવાળી પહેલા એ સારા સમાચાર આવ્યા છે કે ભારતમાં રવિવારના રોજ પૂરા થતા સપ્તાહમાં કોવિડ-19ના કેસ 1 લાખથી પણ ઓછા નોંધાયા છે. જે આ વર્ષે ફેબ્રુઆરીના મધ્યભાગ પછી પ્રથમ વખત છે કે સાપ્તાહિક સંખ્યા છ આંકડાની નીચે આવી ગઈ હોય. દેશમાં 8 માસ બાદ એક્ટિવ કેસની સંખ્યા એક લાખને નીચે નોંધાઇ છે. જો કે રશિયામાં મચી રહેલો હાહાકાર એ દર્શાવે છે કે હાલ દેશમાં તહેવારોની સિઝન ધૂમધામથી ચાલી રહી છે તો આ દરમ્યાન કોરોના નિયમોને ભૂલી ઉજવણી અતિ જોખમદાયક નિવડી શકે છે.
ભારતમાં અઠવાડિયા દરમિયાન (25-31 ઓક્ટોબર) 96,500 થી વધુ કેસ નોંધાયા છે, જે અગાઉના સાત દિવસમાં કુલ કરતાં 11%નો ઘટાડો છે. ગયા અઠવાડિયે, દેશમાં કોવિડના કેસ માત્ર 1% ના ઘટાડા સાથે ફ્લેટ રહ્યા હતા, જે તહેવારોની મોસમ દરમિયાન સંખ્યામાં વધારો થવાની આશંકા વ્યક્ત કરે છે. આથી નિયમોનું પાલન ખૂબ જરૂરી છે. આ અઠવાડિયે નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડોનું મુખ્યત્વે કારણ કેરળ, મહારાષ્ટ્ર અને અન્ય દક્ષિણી રાજ્યોમાં કેસ ઘટ્યા તે છે.
રશિયામાં કોરોનાનો કાળો કહેર: એક જ દિવસમાં 40 હજારથી વધુ કેસ
રશિયામાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. નવા દૈનિક કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે તો 1100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. રશિયામાં કોવિડ-19ના 40,993 નવા કેસ નોંધાયા છે અને દેશમાં સંક્રમણને રોકવા માટે મોટાભાગના વેપાર-ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ-રશિયાના જણાવ્યા મુજબ, રવિવારના રોજ 40,993 નવા કેસો નોંધવામાં આવ્યા હતા. બીજી તરફ, 1,158 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા, જે શુક્રવારના રેકોર્ડ 1,163 મૃત્યુ કરતા થોડો ઓછો છે. આ સાથે, રશિયામાં મૃતકોની કુલ સંખ્યા વધીને 238,538 થઈ ગઈ છે, જે યુરોપમાં અત્યાર સુધીની સૌથી વધુ છે.
14.6 કરોડની વસ્તીવાળા આ દેશમાં અત્યાર સુધીમાં ચેપના 85.1 લાખથી વધુ કેસ નોંધાયા છે. ટાસ્ક ફોર્સ માત્ર કોરોના વાયરસથી થયેલા મૃત્યુની સીધી ગણતરી કરે છે. સ્ટેટ સ્ટેટિસ્ટિકલ સર્વિસ રિઓસ્ટેટ ( સ્ટેટ સ્ટેટિસ્ટિકલ સર્વિસ રિઓસ્ટેટ કરે છે) વ્યાપક માપદંડ હેઠળ કોવિડની ગણતરી -19 થી મૃત્યુ થાય છે. તેના આંકડા તેનાથી પણ મોટી સંખ્યા દર્શાવે છે.સપ્ટેમ્બર સુધીમાં રશિયામાં 461,000 લોકો કોવિડ-19થી મૃત્યુ પામ્યા છે, જે વર્ક ફોર્સના આંકડા કરતા લગભગ બમણો છે.