જિલ્લામાં સૌથી મોટો ક્વોરી ઉદ્યોગ સાયલા તાલુકામાં આવેલો છે ત્યારે સરકારની નીતિ અને નિયમો તેમજ પડતર પ્રશ્નો અંગે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યના ક્વોરી એસોસિએશન ની મિટિંગ યોજાઈ હતી અને રાજ્યભરમાં હડતાલનો આજથી પ્રારંભ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સહીત સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે. કપચી, રેતી સહીત ખનીજ સંપત્તિનું ડમ્પરો મારફતે વહન થઇ રહ્યું છે.ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા ટ્રકના પાસિંગ મુજબ રોયલ્ટી કાઢવામાં આવી છે જેના કારણે હજારો ક્વોરી માલિકો સહીત ટ્રક માલિકોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.અગાઉ ટ્રક માં માલ ભરેલ હોય તેટલી જ રોયલ્ટી કાઢવામાં આવતી હતી જે બઁધ કરવામાં આવતા સૌરાષ્ટ્ર ક્વોરી એસોસીએસન ની છેલ્લા ૧૦ દિવસથી હડતાલ ચાલી રહી છે.
ત્યારે સાયલા ખાતે સમગ્ર ગુજરાતમાં થી ક્વોરી એસોસિએશનના હોદેદારો સાયલા ખાતે એકત્ર થયા હતા અને આ હડતાલને ટેકો જાહેર કરી આજ થી રાજ્યવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી.જેમાં રાજકોટ, અમરેલી, સુરત, ભાવનગર, નવસારી, દ્વારકા, જામનગર, પોરબંદર સહીત તમામ જિલ્લાઓમાં ક્વોરી ઉદ્યોગ અચોક્કસ મુદતની હડતાલ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેમજ સરકાર દ્વારા તમામ પડતર પ્રશ્નો અને ૧૪ જેટલી માંગો પુરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. જયારે આજથી રાજ્યભરમાં ક્વોરી ઉદ્યોગ ઠપ થઇ જતા સરકારી તેમજ ખાનગી બાંધકામ સહીત વિકાસના કામોને અસર પડે તેમ લાગી રહ્યું છે. આ બેઠકમાં રાજ્યભરમાંથી ક્વોરી એસોસીએસન ના પ્રમુખો, હોદેદારો સહીત ક્વોરી માલિકો અને ટ્રક ડ્રાયવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.