મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રેનબસેરામાં ઉભી કરાયેલી કવોરેન્ટાઈનની મુલાકાત લીધી: લોકોને સતત હાથ ધોતા રહેવાનું અને જાહેરમાં ન થૂંકવાનું પણ તંત્રનું આહવાન
રાજકોટમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં ગઈકાલે કોરોનાનો એક કેસ મળી આવ્યા બાદ મહાપાલિકા તંત્ર હાઈ એલર્ટ પર મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકથી જંગલેશ્ર્વરમાં સધન આરોગ્યલક્ષી કામગીરી ચાલી રહી છે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોને સારવાર આપવા માટે સિવિલ હોસ્પિટલ નજીક આવેલા રેનબસેરામાં હાલ કોરોન્ટાઈનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજે સવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અહીં સ્થળ વિઝીટ કરવામાં આવી હતી અને અલગ અલગ બાબતોનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રેનબસેરામાં હાલ ૨૦૦ બેડનો કોરોન્ટાઈન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જંગલેશ્ર્વરમાં જે કોરોનાનો દર્દી મળી આવ્યો છે તે જે લોકોને મળ્યો છે તેનું એક લીસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ લીસ્ટ કલેકટરને સોંપવામાં આવશે. હાલ જંગલેશ્ર્વરમાં ૨૪ કલાક ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે અને ચાર મોબાઈલ, આરોગ્યવાન સતત અહીં કાર્યરત છે.
કોરોનાનો દર્દી ૮૦૦ જેટલા લોકોના સંપર્કમાં આવ્યો હોવાનો અંદાજ છે. તેઓએ રાજકોટ વાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે, કોરોનાને નાથવા માટે શહેરીજનો કામ સીવાય ઘરની બહાર નીકળવાનું ટાળે. સતત હાથ ધોતા રહેવું અને રાજમાર્ગો પર ન થુંકવા પણ અપીલ કરવામાં આવી છે. કારણ કે કોઈપણ જગ્યાએ થુંકવાથી આ રોગ વધુ ઘાતક બને છે. આજે શહેરભરમાં તમામ ચાની લારીઓ અને પાનના થડા બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આથી વધુ કડક પગલા લેવામાં અવે તેવી સંભાવના જણાય રહી છે.
આધાર કાર્ડના કેન્દ્રો ૩૦મી સુધી બંધ
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ :- (૧) સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ (૨) વેસ્ટ ઝોન, ૧૫૦ રીંગ રોડ અને (૩) ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત છે. હાલનાં સંજોગોમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ ખુબ વધી ગયેલ છે. તેમજ હાલ રાજકોટ શહેરમાં પણ નાગરિક કોરોનાથી સંક્રમિત થયેલ છે. આ વાઇરસ સંક્રમિત દર્દી તરફથી ચેપ લાગવાથી જેનું સંક્રમણ વધુ થવાની સંભાવના રહે છે.
જે ધ્યાને લઇ જાહેર જનહિત માટે સાવચેતીનાં પગલે રાજકોટ મહાનગરપાલિકાનાં ઉક્ત ત્રણેય આધાર નોંધણી ક્ધદ્રો તા.૩૦/૦૩/૨૦૨૦ સુધી બંધ રહેશે, જેથી આધાર કેન્દ્રો ખાતે નાગરીકોને મુલાકાત ન લેવા અપિલ કરવામાં આવે છે.