આઇસ્ક્રીમ, કેરીનો રસ અને પાઇનેપલ સીરપના નમૂના લેતો ફૂડ વિભાગ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના સાધુ વાસવાણી રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકીંગ અંતર્ગત ખાણીપીણીની 26 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોમ્સ ફેન્સી ઢોસામાંથી વાસી પાસ્તા અને ચીઝનો જથ્થો જ્યાર પટેલ જમાવટ પાંઉભાજીમાંથી વાસી સંભારો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. 12 પેઢીઓને લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશન આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના સાધુ વાસવાણી રોડ પર ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ 26 ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 3 કિલો એક્સપાયર ખાદ્ય સામગ્રીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 12 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત રંગોલી આઇસ્ક્રીમમાંથી સ્પેશ્યલ રાજસ્થાની આઇસ્ક્રીમનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તાજેતરમાં 80 ફૂટ રોડ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 12 ખાદ્ય સામગ્રી સ્થળ પર ચેકીંગ હાથ ધરાયું હતું. 16 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. પોપટપરા અને રેલનગર વિસ્તારમાં પણ 24 સ્થળોએ ચેકીંગ દરમિયાન 14 પેઢીઓને લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગોકુલનગર મેઇન રોડ પર શેરી નં.3માં ભગવતી આઇસ્ક્રીમ એજન્સીમાંથી અજંતા અમેરિકન ડ્રાયફ્રૂટ્સ આઇસ્ક્રીમ, મોરબી હાઇવે પર વેલનાથપરા શેરી નં.23માં જય ગોકુલ રસ ભંડારમાંથી લૂઝ કેરીનો રસ, જય જવાન, જય કિશાન મેઇન રોડ પર બાપાસીતારામ ડેરી ફાર્મમાંથી કેરીનો રસ અને ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર પાસે કોઠારીયા રોડ પર દ્વારકેશ ડીશ ગોલામાંથી પાઇનેપલ સીરપનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકવામા ંઆવ્યો છે.