ડેરી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી ક્વોલિટી લિમિટેડ દ્વારા રૂ. ૧૪૦૦ કરોડની છેતરપિંડીનો આક્ષેપ
ડેરી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી ક્વોલિટી લિમિટેડ દ્વારા રૂપિયા ૧૪૦૦ કરોડની વિવિધ બેંકો સાથે છેતરપિંડી મામલે સીબીઆઈએ સોમવારે ક્વોલિટી લિમિટેડની વિવિધ આઠ બ્રાન્ચ ખાતે સર્ચ હાથ ધર્યું હતું.
સીબીઆઈએ સોમવારે દિલ્હી સ્થિત ડેરી પ્રોડક્ટ્સ કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સને બેંક ઓફ ઇન્ડિયા સહિતની બેંકો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં આઠ વિવિધ બ્રાન્ચ ખાતે તલાશી લીધી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ક્વોલિટી લિમિટેડ દ્વારા રૂપિયા ૧૪૦૦ કરોડની છેતરપિંડી કરાઈ હોવાનું જણાવ્યું છે.
મામલામાં સીબીઆઈએ ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર સંજય ધીંગરા, સિદ્ધાંતત ગુપ્તા, અરુણ શ્રીવાસ્તવ ઉપરાંત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે. સીબીઆઈના પ્રવક્તા આર.કે. ગૌરે મામલામાં કહ્યું હતું કે, ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉપરોક્ત આરોપીઓએ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સહિતના બેન્ક સાથે ક્ધસોર્ટિયમની છેતરપિંડી કરી છે.
ગૌરે ઉમેર્યું હતું કે, ક્વોલિટી લિમિટેડ અને તેના ડાયરેક્ટરો દ્વારા સંબંધિત પક્ષો સાથે બનાવટી દસ્તાવેજો – રસીદો, ખોટી સંપત્તિ અને જવાબદારીઓ વગેરે ઉભા કરી બેંકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. સોમવારે દિલ્હી, સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) વગેરે આઠ સ્થળોએ ખાનગી કંપની અને અન્ય આરોપીઓના રહેઠાણ ખાતે આ તલાશી લેવામાં આવી હતી.