ભારતીય સંસ્કૃતિ વૃક્ષોનાં પારણામાં જ ઉછેરી છે એમ કહીએ તો પણ ખોટું નથી. વૃક્ષોને પૂજતા આપણે ભારતીયો પ્રકૃતિ પ્રત્યે અનેરો લગાવ ધરાવીએ છીએ. આ લગાવને જામનગરના ખોબા જેવડા એક ગામે યથાર્થ સાબિત કરી બતાવ્યો છે. વરણા ગ્રામજનોને વૃક્ષો પ્રત્યે એવી તો લગની લાગી કે તેઓએ સ્વયંભૂ જ 25-50 નહિ પરંતુ 1 હજાર વૃક્ષો વાવી પ્રકૃતિ માતાના ચરણોમાં પોતાનો ભાવ અર્પણ કર્યો છે.
માત્ર બારસો લોકોની વસ્તી ધરાવતા વરણા ગામે મુખ્યત્વે ખેતી કામ કરતા અને નજીકના મોટા શહેરોમાં જઈ વસેલા ગ્રામજનોની એક બેઠક મળી અને સર્વાનુમતે સમગ્ર દેશમાં ક્યાંય પણ ન થયું હોય એવું વૃક્ષારોપણનું અદકેરું આયોજન કરવાની નેમ લેવાઈ.આ વિશાળ વન મહોત્સવ માટે ગ્રામજનોએ સ્વયંભુ જ ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું અને ગ્રામજનોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ તેમજ દરિયાદિલીના કારણે આ ભંડોળ જોતજોતામાં રૂપિયા 15 લાખને આંબી ગયું.
જેમાંથી 7.5 લાખના વૃક્ષો અને પાંજરાની ખરીદી કરાઈ અને રૂપિયા 3 લાખના ટ્રેક્ટરની ખરીદી કરી વૃક્ષો ઉછરીને મોટા ન થઈ જાય ત્યાં સુધી પાણી પાવાની અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ. ગ્રામજનોએ જાતે જ પરસેવો પાડી ગામની આજુબાજુના ખુલ્લા મેદાનો, પડતર જમીન તેમજ રોડના બંને કાંઠા પરના જાડી જાખરાં તેમજ બાવળો દૂર કરી જમીનને સમતલ કરી ત્યાં મબલખ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું.અને આ લખાય છે ત્યારે વરણા ગામમાં એક હજાર વૃક્ષનું વાવેતર થઈ ચૂકયું છે અને હજુ બીજા 500 વૃક્ષો રોપાઈ રહ્યા છે.
આ અંગે વરણાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે 3 વર્ષનું આગોતરું આયોજન કરી એક ટીમ બની આ વર્ષે પંદરસો વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો જેના માટે ટ્રેક્ટર, જે.સી.બી., પાણી વગેરેની વ્યવસ્થા ઊભી કરી અને ગામના ખરાબાની જગ્યા ચોખ્ખી કરી અહીં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું. જેના પરિણામે આજે ગામની ચારે બાજુ 1 હજાર જેટલા વૃક્ષો અમે વાવી ચૂક્યા છીએ. ત્યારે તમામ ગામો જો આ પ્રકારના વૃક્ષારોપણનું આયોજન હાથ ધરે તો ચોક્કસપણે પર્યાવરણમાં ખૂબ જ હકારાત્મક પરિવર્તન આવી શકે છે.