સેમીફાઈનલમાં સિંધુનો મુકાબલો ચાઈનાની ચેઈન યુફેઈ સાથે થશે
ભારતની પી.વી.સિંધુએ વિશ્વની ત્રીજા નંબરની સીડેડ નોઝામી ઓકુહારાને ૨૧-૧૪, ૨૧-૭ થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પાંચમી સીડેડ ખેલાડી તરીકે પી.વી.સિંધુએ જાપાનની ખેલાડીને ૪૪ મિનિટમાં હરાવી સેમીફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. આ તકે પી.વી.સિંધુએ મેચ પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે, તે તેનાં ખેલથી ખુબ જ પ્રસન્ન છે. ભારતીય ખેલાડી રવિવારનાં રોજ ચાઈનાની ચેઈન યુફેઈ સાથે સેમીફાઈનલ મેચ રમશે કે જેણે યુ.એસ.એ.ની બૈવાન જૈંગને ૨૧-૧૪, ૧૭-૨૧, ૨૧-૧૬થી હરાવી ચુકી છે.
પાંચમી સીડેડ પી.વી.સિંધુ ચેઈન યુફેઈ સામે ૪ વખત જીતી છે જયારે ૩ વખત તેનો પરાજય થયો છે. આ તકે સિંધુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેઈન યુફેઈ ખુબ જ આક્રમક ખેલાડી છે અને તેની પાસે સારા એવા સ્ટ્રોક પણ છે જેથી સેમીફાઈનલનો મુકાબલો અતિ રોમાંચક બની રહેશે. વધુમાં તેને જણાવતાં કહ્યું હતું કે, તે પણ મેચ જીતવા માટે ખુબ સારો પ્રયત્ન કરશે અને ટુર્નામેન્ટ જીતવાનો પણ પ્રયાસ હાથ ધરશે. જયારે રશિયન ઓપનમાં પણ ઈન્ડિયન ડબલ્સની ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે. જેમાં પૂર્વીશા એસ.રામ અને મેઘના રશિયન ઓપનનાં સેમીફાઈનલ મુકાબલામાં પ્રવેશ કર્યો છે. જયારે સિંગલમાં સીલીર વર્મા, રીતુપર્ણાદાસ, મીક્ષ ડબલ્સમાં ક્રિષ્ના પ્રસાદ ગર્ગ અને પૂર્વીશા કવાર્ટર ફાઈનલમાં પરાજીત થયા છે. મીક્ષ ડેબલ્સની જયારે વાત કરવામાં આવે તો ધ્રુવ કપીલા અને જકમપુરી મેઘનાએ મકસીમ માકાલવ અને એકાટેરીનાને ૨૧-૩, ૨૧-૧૨ થી હરાવી હતી ત્યારે હવે ભારતની પાંચમાં સીડેડ ખેલાડી પી.વી.સિંધુ વિશ્વની બીજા સિડેડ ખેલાડી સામે સેમીફાઈનલમાં ટકરાશે.