પાકિસ્તાનની આર્થિક ભીંસ ચરમસીમાએ પહોંચી, તેવામાં રશિયાનો પક્ષ લઇ તેની નજરમાં સારા બનીને સહાય મેળવવાનો વ્યૂહ
અમેરિકાએ દરવાજા બંધ કરી દેતા સંકટમાં મુકાયેલું પાકિસ્તાન હવે ખેલ પાડવા પુતિનના શરણે ગયું છે. પાકિસ્તાનની આર્થિક ભીંસ ચરમસીમાએ પહોંચી છે. તેવામાં પાકિસ્તાન રશિયાનો પક્ષ લઈને તેની નજરમાં સારા બનીને સહાય મેળવવાનો જબરો વ્યૂહ ગોઠવી રહ્યું છે.પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન આજથી રશિયાની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે, જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે અને મુખ્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના વિચારોની આપ-લે કરવા ઉપરાંત ઊર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. છેલ્લા 23 વર્ષમાં કોઈ પાકિસ્તાની વડાપ્રધાનની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે પાકિસ્તાની વડાપ્રધાનની સાથે તેમના કેબિનેટ સહયોગીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે.
રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન ખાન વચ્ચે દ્વિપક્ષીય શિખર સંમેલન એ મુલાકાતની વિશેષતા હશે. વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે સમિટ દરમિયાન, બંને નેતાઓ ઊર્જા સહકાર સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. ઇસ્લામોફોબિયા અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ સહિત મુખ્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમની વચ્ચે વ્યાપક મંતવ્યોનું આદાનપ્રદાન થશે.
જો કે આ બધું માત્ર કાગળો ઉપર છે. હકીકતમાં તો પાકિસ્તાન આર્થિક સંકટથી પીડાઈ રહ્યું છે. એક તરફ અમેરિકાએ પાકિસ્તાન માટે સહાયના દરવાજા બંધ કરી દીધા છે. એટલે હવે રશિયા પ્રત્યે પાકિસ્તાનને ઘણી આશા જાગી છે. તેવામાં અમેરિકાની વાત ન માનતા રશિયા ઉપર અમેરિકાને ઘણી દાઝ છે. મોટાભાગના દેશોએ અમેરિકાના કહેવાથી યુક્રેનનો પક્ષ લીધો છે. એટલે પાકિસ્તાન રશિયાનો પક્ષ લઈ તેને વ્હાલા થવાના પ્રયત્નો કરી સહાય મેળવવા માટે વલખા મારી રહ્યું છે.