બંગાળની ખાડીમાં આવતીકાલે એક નવું લો-પ્રેશર સર્જાય રહ્યું છે આ ઉપરોક્ત ચોમાસું પણ હવે દેશભરમાં ફરી સક્રિય થઇ રહ્યું હોય આગામી શુક્રવારથી સૌરાષ્ટ્રમાં મેઘાનું જોર વધશે. શનિવારથી અનરાધાર વરસે તેવી આગાહી પણ આપવામાં આવી રહી છે. આગામી બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયુ હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં નવુ લો-પ્રેશર બની રહ્યું છે. જેની અસરતળે આગામી શુક્રવારથી રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રમાં શુક્રવારથી વરસાદનું જોર વધશે અને શનિવારથી અનરાધાર વરસાદ પડશે. દેશભરમાં ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. મહારાષ્ટ્રથી કર્ણાટક સુધી ઓફ શોર ટર્ફ છવાયેલું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયેલું છે જેની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
આજે સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે બે કલાકમાં 31 તાલુકાઓમાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત છે. જેતપુર, પાવી, બોડેલીમાં અઢી ઇંચ, ડેડીયાપાડા, છોટાઉદેપુર, વડોદરા, ડભોઇ, ડોલવાળમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે સવારે રાજકોટમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું.