“જનતા ચાતક નજરે રાહ જોઈ રહી હતી કે પોલીસ નિર્દોષ ડ્રાઈવરને ફીટ કરે છે કે સાચાને પકડે છે?”
વીચિત્ર ખૂન કેસ
હાઇ પ્રોફાઇલ મોટાણી ખૂન કેસ સમગ્ર કચ્છમાં અને તે પણ ખાસ ગાંધીધામ શહેરમાં ખૂબ જ ચર્ચાના ચગડોળે ચડયો હતો. લગભગ તમામ જનતાને આ ખૂન કેસની તપાસમાં શું થાય છે તેમાં રસ હતો. જનતા જે ‘જી હજુરીયા ટોળકી’ હતી તેનાથી પણ સારી રીતે વાકેફ હતી. જનતા હવે એ રાહ જોઇ રહી હતી કે પોલીસ આ રાજકિય કશ્મકશ વાળી તપાસમાં શું કરે છે, નીર્દોષ ડ્રાઇવરને બચાવે છે કે તેને જેલમાં મોકલે છે વળી સાચા આરોપીને પકડે છે કે કેમ? આ ગુન્હાની ચર્ચા નિયમિત રીતે વર્તમાન પત્રોમાં પણ થતી હતી. સીપીઆઇ જયદેવ માટે હવે મોટો યક્ષ પ્રશ્ર્નએ સામે આવીને ઉભો હતો કે ડ્રાઇવર સાચો કે જીહજુરીયા સાચા? જી હજુરીયાની ટોળકીએ ઉભા કરેલા પુરાવા, અન્ય સાંયોગીક પુરાવાથી જો ડ્રાઇવરની ધરપકડ કરી નાખે તો પોલીસ અને ખાસ તો જયદેવનો તપાસ કરનાર અધીકારી તરીકે છુટકારો થાય અને ખૂનનો ગુન્હો પણ શોધાયો કહેવાય! પરંતુ જયદેવનો અંતરાત્મા કહી રહ્યો હતો કે ડ્રાઇવર સાચો છે તેણે દર્શાવેલ સંજોગો સાચા છે. વળી એલ.સી.બી.ના ફોજદાર તેને વાગડમાં લઇ જતા હતા ત્યારે તેણે આદર્ર્સ્વરે વીનંતી કરી હતી કે ‘જો જો સાહેબ આ સાધન સંપન્ન પૈસા વાળા અને મોટા રાજકારણીઓ મને નીર્દોષને ખોટી રીતે ફસાવી ન દે, મારા બાળકો હજુ નાના છે. હવે તેમજ મારા ભગવાન છો સાચાને બચાવો કે પછી જેલમાં મોકલો.
પોલીસ તપાસ સહાયમાં વિજ્ઞાન
અઠવાડીક તપાસ મીટીંગમાં જયદેવ પોલીસવડા સમક્ષ આ ખૂન કેસ તપાસની સમિક્ષા રજૂ કરી અને મરણ જનારનું લોહી અને કારમાં ડ્રાઇવર સીટ પાસેથી મળેલ એક જ ગ્રુપના લોહીનો ડી.એન.એ. ટેસ્ટ કરાવવા સહમત થતા જયદેવે કબ્જે કરેલ મરણ-જનારની કાર તથા મૃતકનો હોસ્પીટલમાં લીધેલ લોહીનો નમુનો તાત્કાલીક ફોરેન્સીક સાયંસ લંબોરેટરી જૂનાગઢ ખાતે ડીએનએ પરીક્ષણ માટે મોકલાયો જેની સાથે ખાસ વિનંતી રીપોર્ટ મોકલ્યો કે આ પરીક્ષણ અગ્રતાના ધોરણે થાય કેમ કે તપાસ અહીંથી અટકેલ છે.
આખરે કુદરતી નીયમ ‘સત્યમેવ જયતે’ માફક થોડા જ દિવસોમાં જૂનાગઢ ખાતેથી પરીક્ષણ અહેવાલ આવ્યો કે બન્ને એટલે કે મરણ જનારના લોહી અને કારમાંથી મળી આવેલ લોહીના ડી.એન.એ. તદ્દન અલગ છે. આનો અર્થ એ થયો કે કારમાંનું લોહી કોઇ અન્ય વ્યક્તિનું છે! ડ્રાઇવર બચી ગયો પણ પોલીસ માટે તપાસની એક નવી દિશા ખુલી. આ જુદુ લોહી પાછળથી કારમાં લગાડ નાર કોણ?
જયદેવ ખુશ થયો, હજુરીયા નારાજ તો થયા પણ ફફડી પણ ગયો કે હવે શું થાશે? જયદેવનો મજબુત તર્કેએ હતો કે આ કારમાં પાછળથી કોઇએ ભળતા ગ્રુપનું લોહી મુકેલુ (ઇમ્પ્લાન્ટ) હતું. જે લોહીનું ગ્રુપ ભલે સરખુ હોય પણ તે કોઇ બીજી વ્યકિતનું જ લોહી હતું. જે હવે વૈજ્ઞાીનક રીતે સાબિત થયુ હતુ. આથી હવે મુદ્દોએ ઉપસ્થિત થતો હતો કે આવુ ખોટુ કરનાર જ ગુન્હા સાથે કે આરોપી સાથે સંકળાયેલા છે. અર્થાત આવુ કરનાર આરોપી અંગે તે જાણે છે, જેથી આરોપીને બચાવવા આવો ખોટો લોહીકારમાં લગાડીને પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.
કારનો ડ્રાઇવર પોલીસ સાથે લાંબા સમયની યાત્રા કરીને પાછો આદિપૂર આવ્યો. તેને પણ સારા સમાચાર ડી અને એ ટેસ્ટના પોલીસ માંથી જ મળી ગયા હતા તે આદિપૂર આવી એમ કહી જયદેવને પગે લાગ્યો કે સાહેબ તમે મારા ભગવાન બાકી આવડી મોટી હસ્તીઓની માયાઝાળ માંથી છુટવુ તે ખરેખર દુષ્કર અને અસંભવ કામ છે. જયદેવની પોલીસ ખાતમાંથી નીવૃતિ બાદ આઠ દસ વર્ષે પણ આ ડ્રાઇવર નીયમિત રીતે જયદેવ સાથે ફોન ઉ૫ર આભાર વ્યકત કરે છે.
સત્ય મેવ જયતે!
જયદેવે ફોરેન્સીક સાયન્સના ડીએનએ અભીપ્રાય બાદ તપાસની આગળની લાઇન પકડતા જ સક્ષમ ‘જી હજુરીયા’ ગ્રુપે ગાંધીનગર અને દીલ્હી સુધી ટેલીફોનના દોરડા ધણ ધણાવ્યા. દિલ્હીથી એક માજીમંત્રીની તથા ગાંધીનગર ગૃહખાતામાંથી પોલીસ વડા ઉપર સજેશન સલાહ આવી ગઇ કે ‘મોટાણી ખૂન કેસમાં નકકર પુરાવવા વગર કોઇ ધરપકડ કરવી નહી. જોકે આમ છતા પોલીસને તપાસ કરવામાં કોઇ ફેર પડતો ન હતો. જયદેવની ઇચ્છા જે નીર્દોષ વ્યક્તિ ડ્રાઇવરને બચાવવાનો હતો તે તો બચી ગયો. હવે સાચા ગુનેગાર શોધવા એટલે ‘દરિયામાંથી સોય શોધવા બરાબરાનું મુશ્કેલ કામ’ થઇ ગયુ હતુ કેમ કે રાજકારણનો ચંચુપાત!
તપાસની સાંકળની મુખ્ય અગત્ય નીકડી તો સામે જ હતી પણ તેની તપાસ પોલીસની રીતે રાજકીય ચંચુપાતને કારણે કરી શકે તેમ ન હતી. આ માટે તો જયદેવે ધણો લાંબો સંઘર્ષ કરવો પડે તેમ હતો અને તેનું પરીણામ ખુબ લાંબા સમયે આવે તો પણ અર્થહિન હતુ. વચ્ચે ઘણા ગંભીર વિધ્નો આવવા ના હતા. તે જે હોય તે પણ જયદેવે તો તપાસ કરવાની જ હતી.
આથી જયદેવે તપાસના અલગ અલગ મુદ્દાઓ નકકી કર્યા (૧) આંતરિક અને જી હજુરીયાને ધ્યાને લઇને (૨) એક જ ઝાટકે મૃતકનું મૃત્યુ થયેલ તે સંદર્ભે તપાસ. (૩) ફરીયાદી પુષ્પારાણી મંત્ર તંત્ર, મેલી વિદ્યાના જાણકારો, ભુવા ભરાડીનો પણ સંપર્ક કરતા હતા તેની તપાસ. (૪) ફરીયાદી સાથે તમામ દૃષ્ટિએ એટલે કે વ્યવહારીક સામાજીક એટલે કે વહેલી સવારના અખબાર નાખવા આવતા ફેરીયા, દુધવાળા, વાણંદ, કામવાળા, સફાઇ કામદારો, તેલ માલીસ કરવા વાળા તેમજ આડોશી પાડોશી અને મૃતકે અગાઉ ગાંધીધામમાં જ્યાં જ્યાં ફરજો અને માનદ ફરજ બજાવેલી તે વિભાગો-ખાતામાં, કીટી પાર્ટીઓમાં, સહેલીઓમાં, ફેમેલી ડોકટર, નાણાકિય સલાહકારો, વહીવટદારો, બીલ્ડરો, મોબાઇલ ફોનના વિવિધ પ્રકારના સ્ટોર જેવા કે રીપેરીંગ કરવા વાળા રીચાર્જ કરવા વાળા (પ્રિપેડ કાર્ડમાં), સીમાકાર્ડ વેચવા વાળા વિગેરેને પૂછપરછ કરવાની હતી. (૫) જયદેવે ફરીયાદી પુષ્પારાણી, મૃતક મોટાણી અને બન્નેના સબંધીઓ મિત્રો, સંપર્ક વાળા અને જીહજુરીયાઓના મોબાઇલ ફોન નંબરો મેળવી છેલ્લા થોડા સમયમાં જેનો જેનો સંપર્ક થયો હોય તેમની પુછપરછ તપાસ કરવાની હતી. આ તપાસનું કાર્ય મહાભારતકાળના મત્સ્યવેધ જેવુ કપરૂ હતું. ત્રાજવામાં ઉભા રહી નીચે પાણીમાં પડતા માછલીના પ્રતિબિંધમાં જોઇ માથા ઉપર ફરતી માછલીની આંખ વીંધવાની હતી! એટલે કે આરોપીઓ પકડવાના હતા. પરંતુ જો પાક્કા પુરાવા મળે તોજ જે પાકકા પુરાવા મેળવવામાં આંતરિક જુથ જ મોટી અડચણરૂપ હતુ, જેમને સત્તાધારી પાર્ટીનો ટેકો હતો. આથી આ જુથને તો પોલીસે હવે કડકાઇને બદલે પ્રેમથી આવકારવાના હતા.
આ તપાસમાં ખુબ મોટા પાયે ભલામણો આવતી હોય કચ્છભુજ પોલીસ વડા જાણે કે પોતે જ ગુન્હાનુ વીજીટેશન કરતા હોય તેમ દર અઠવાડિયે આ તપાસમાં થયેલી પ્રગતી જાણવા તથા સલાહ સુચન અંગે ભૂજ અથવા આદિપૂર ખાતે મીટીંગો રાખવા લાગ્યા. જયદેવને એ વાતનું ગૌરવ હતુ કે ભલે પોલીસ વડાએ પોતાને ગાંધીધામથી ટુંક સમયમાં જ બદલેલો અને તેમણે જેને લાયક ગણી ગાંધીધામ નીમણુંક કરેલ તે ક્રાઇમબ્રાંચના પીઆઇ તરીકે રાખેલ હોવા છતા તેને આ તપાસ માટે લાયક ગણેલ ન હતા. પછી કારણ ગામે તે હોય!
મેલી મુરાદ વાળાના ઝાક મોકળા!
સૌ પ્રથમ લેન્ડ લાઇન તથા મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી જે જે સંપર્ક વાળા હતા તેમની પુછપરછ કરવાની હતી. જેમાં જી હજુરીયાઓ ઉપરાંત મહિલાઓ પણ હોઇ જયદેવ પોલીસ વડાની મંજુરી લઇ આ તપાસમાં મદદ માટે કંડલા ફોજદાર દેસાઇ અને અન્ય મહીલા કોન્સ્ટેબલોને સાથે રાખી તપાસ શરૂ કરી. તપાસની કાર્ય પધ્ધતી એવી નીરાંતની હતી કે જાણે તપાસ ખાસ સીટની તપાસ હોય! અમુક સાક્ષીઓના નીવેદનો વીડીયો રેકોડીંગ સાથે લેવાના ચાલુ કર્યા. જયદેવને આમેય સી.પી. આઇ તરીકે અન્ય ખાસ કોઇ કામગીરી ન હતી. તેથી તેની કચેરીમાં જ વીડીયો કેમેરા સાથે બંધ બારણે એક પછી એક પુછપરછ ચાલુ થઇ. આ મેય સામાન્ય રીતે લોકો પોલીસથી બીન જરૂરી રીતે પણ ફફકતા હોય છે, આથી જયારે મનમાં મેલી મુરાદ વાળા ‘જી હજુરીયાઓ’ને તો આને કારણે સારો એવો રેલો આવી ગયો અને તેમનાંમાં ફફડાટ વ્યાપી ગયો. આના કારણે ફરી થી આ તપાસ ટોક ઓફ ધ રાઉન બની ગઇ. સતત એક વર્ષ સુધી અનેક પ્રકારના લોકોની પુછપરછ કરી. મંત્ર તંત્ર ભુવા-ભરાડી વીગેરેની તપાસ કરતા તેમાં એવુ જાણવા મળ્યુ કે આ ભુવા ભરાડી જયોતિષોને પુષ્પારાણી પોતાની સતા પ્રાપ્તી અને પ્રતિષ્ઠા કેમ વધે તે અંગે જ જોવરાવતા હતા. આનો અર્થ એ થયો કે ફરીયાદી પુષ્ણારાણીની મહાત્વાકાંક્ષા ખુબ જ ઉંચી હતી.જયદેવે આ બાબતે કડકાઇથી તપાસ કરતા જ્ઞાતી અને ધાર્મિકતાના ઓઠા તળે પોલીસનો વિરોધ શરૂ થયો. રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રિય પાર્ટીઓને આ જ જોઇતુ હતું. આ બાબતે બન્ને પક્ષો એક થઇ ગયા બન્નેનો ઇરાદો એક જ હતો ‘બસ તપાસ બહુ થઇ બંધ કરો’! પોલીસ એમ કાંઇ તકસાધુ રાજકારણીઓથી ડરીને તપાસતો બંધ કરે નહી! જયદેવે તપાસની દિશા હંગામી ધોરણે બદલી સાંપ્રદાયીક-તાંત્રીક પ્રતીનિધિ વાળો મુદ્દો મોકુફ રાખી બીજા મુદાઓની તપાસ શરૂ કરી.
આ કુંડળા વાળા પૈકી અને મોબાઇલ કોલ ડીટેઇલમાં આવેલ નંબર વાળા એક આદીપુરના યુવાન બીલ્ડર તો પોલીસની ટીમની ઇનકેમેરા પુછપરછ દરમ્યાન એવા ગભરાઇ ગયા કે બેભાન થઇ ગયા અને સારવારમાં દવાખાને દાખલ થયા. વળી એક મોટી હસ્તીએ તો પુછપરછમાં પોતાના જીવનની ભૂતકાળની ઘણી કાળી બાજુઓ સામે ચાલીને બતાવી જે કયારેય જાહેર કરેલી નહી! તેમણે કહ્યુ સાહેબ મહેરબાની કરો આમા હું કયાંય નથી મારી ઉમર તો જુઓ!
શકદારોની ફરી નાસભાગ અને તેનું પરિણામ બદલી!
આ સાથે સાથે જયદેવે ફરીયાદી નીકારમાં લોહી કયાંથી આવ્યુ તેની તપાસ શરૂ કરી. લોહીએ તબીબી વિષય છે. જે વ્યકિત લોહીનું ગ્રુપ જાણી શકે તે જ વ્યક્તિ તેવા ગ્રુપનું લોહી મેળવી કારમાં લગાડી શકે! સામાન્ય રીતે ફરીયાદીની કારમાં લોહી કોઇ આલીમવાલીએ નહી પણ મેડીકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિએ લગાડયુ હોય તે હકીકત હતી. ‘જી હજુરીયા ગ્રુપ’નો જે રાજકિય લીડર હતો તેનો ભાઇ ગાંધીધામમાં દંતચિકિત્સક હતો, અને તે પણ હજુરીયા ગ્રુપનો જ હતો.
જયદેવે આ દંતચિકિત્સકને તેડુ મોકલ્યુ. અને ફરીથી દેકારો બોલ્યો. નાસ ભાગ પણ થઇ. ગાંધીધામનું દંત ચિકિત્સાલય બંધ થયું. તેના કર્મચારીઓને પણ છૂટા કરી દેવામાં આવ્યા કારણ કે દંત વૈદ્ય પોતે જ બીમાર! થોડા દિવસો બાદ રાજકિય હજુરીયાએ આ દંતવૈદ્ય ‘માનસિક રોગી’ હોવાનું ઓથોરાઇઝડ સાઇક્રીયાટ્રીક ડોકટરનું પ્રમાણપત્ર રજુ કર્યું.
વળી જયદેવે તપાસની દિશા બદલી તેણે ફરીયાદી રાજકીય હજુરીયા, વૈદ્ય (દંત ચિકિત્સક)ના લાઇડિટેકશન ટેસ્ટ માટે ફોરેન્સીક સાયંસ લેબોરેટરીને રીપોર્ટ કર્યો. લોબોરેટરીમાંથી તારીખ નકકી થઇ આવતા તમામને એફએસએલમાં મોકલવામાં આવ્યા. પરંતુ નીષ્ણાંતોએ દંતવૈદ્ય સાયકાટ્રીક ડીસઓર્ડર હોય તેમને લાયડીટેકશન ટેસ્ટ કર્યા વગર પાછા મોકલ્યા. તેમણે જણાવ્યુ કે માનસિક બીમારીનો લઇ ડીટેકશન ટેસ્ટ થઇ શકે નહી. ફરી તપાસ નીર્ણાયક તબ્બકે આવીને અટકી ગઇ. તપાસમાં વધુ સમય મર્યાદાની જરૂર હતી.
પરંતુ આ દરમ્યાન જયદેવ હકક રજા ઉપર હતો. ત્યારે જ તેની કમોસમી-કસમયની બદલી કચ્છ જીલ્લામાંથી અમદાવાદ શહેરમાં થઇ ગઇ! ભલે આ ખૂન કેસ શોધાયો નહી પરંતુ સાચી દિશાની તપાસનો શિરપાવ જયદેવને બદલી રૂપે મળી ગયો!
જયદેવે આ વિચિત્ર ખૂન કેસની લાંબી તપાસના ઢગલાબંધ કેસ કાગળો અલગ અલગ બંચમાં વીડીયો કેસેટો સહિતનો નવા પીઆઇને સોંપી તપાસની પુરી હકીકતથી વાકેફ કર્યા. એ સહજ હતુ કે આ તપાસ રૂપી રાફડામાં કોઇ હાથ નાખે તેમ ન હતું!
જયદેવ ફરીથી ‘સાઘુ ચલતા ભલા’ની માફક તેની જીંદગીની ફરજના આખરી વર્ષની સફર પૂરી કરવા એ જ ‘ધડકી અને ધોકો’ લઇ અમદાવાદ તરફ રવાના થયો.