- પુષ્પા 2 ફ્લાવર નહીં ફાયર સાબીત થઈ
પ્રથમ સપ્તાહના અંતે વિશ્વભરમાં રૂ. 800 કરોડથી વધુની કમાણી નોંધાવી: માત્ર રવિવારનું કલેક્શન 85 કરોડ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ’પુષ્પા 2 ધ રૂલ’ 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. દર્શકો ઘણા વર્ષોથી આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની રાહ સાચી સાબિત થઈ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા અને એક નવો ઈતિહાસ રચ્યો. ફિલ્મે રિલિઝ થયાના પ્રથમ સપ્તાહના અંતે વિશ્વભરમાં રૂ. 800 કરોડથી વધુની કમાણી કરી છે, જે ભારતીય સિનેમા માટે અભૂતપૂર્વ છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ફિલ્મ માટે સૌથી મોટો ઓપનિંગ ડે રેકોર્ડ બનાવ્યો છે. ’પુષ્પા 2: ધ રૂલ’ એ પેઇડ પ્રિવ્યુઝથી રૂ. 10.65 કરોડની કમાણી કરી હતી. અલ્લુ અર્જુનની આ ફિલ્મે શરૂઆતના દિવસે એટલે કે ગુરુવારે ભારતીય બોક્સ ઓફિસ પર 164.25 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યારે બીજા દિવસ એટલે કે શુક્રવારના કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે 93.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પરંતુ આ ફિલ્મે વીકેન્ડમાં ધૂમ મચાવી હતી. ફિલ્મે ત્રીજા દિવસે એટલે કે શનિવારે 119.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પરંતુ રવિવારની કમાણીએ બધાને ચોંકાવી દીધા. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, અલ્લુની પુષ્પા 2 એ ચોથા દિવસે 141.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. માત્ર હિન્દી ભાષાની વાત કરીએ તો આ ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 85 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં ફિલ્મનું ચાર દિવસનું કુલ કલેક્શન 529.45 કરોડ રૂપિયા થઈ ગયું છે.ફિલ્મના તેલુગુ વર્ઝને રૂ. 44 કરોડની કમાણી કરી હતી, ત્યારબાદ તમિલ ડબ વર્ઝનએ અંદાજે રૂ. 9.5 કરોડની કમાણી કરી હતી. મલયાલમ અને કન્નડ કલેક્શન અનુક્રમે રૂ. 1.9 કરોડ અને રૂ. 1.1 કરોડની કમાણી કરી હોવાનો અંદાજ છે. ટ્રેડ ગુરુઓએ આગાહી કરી છે કે આ ફિલ્મ તેના પ્રથમ સપ્તાહમાં જ રૂ. 1000 કરોડનો આંકડો પાર કરી જશે.
- અમેરિકામાં પણ પુષ્પા 2 છવાયું
- પ્રથમ સપ્તાહના અંતે અંદાજિત 9.3 મિલિયનની આશ્ચર્યજનક કમાણી નોંધાવી
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્ના અભિનીત ફિલ્મ 1,245 થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ’પુષ્પા 2’ એ વૈશ્વિક સ્તરે અસાધારણ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ઉત્તર અમેરિકામાં આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ ફિલ્મે નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર પણ આગ લગાવી છે. આ ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને તેના પ્રથમ સપ્તાહના અંતે અંદાજિત 9.3 મિલિયનની આશ્ચર્યજનક કમાણી કરી છે. આ સાથે અમેરિકન બોક્સ ઑફિસમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં ટોચની પાંચ ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ ફિલ્મે પઠાણ, કલ્કી, બાહુબલી જેવી ફિલ્મોને પાછળ છોડીને અભૂતપૂર્વ રેકોર્ડ રચ્યો છે. અમેરિકામાં આ અઠવાડિયામાં રિલીઝ થયેલી અન્ય કેટલીક ફિલ્મો ટોચ પર આવવા માટે સંઘર્ષ કરી રહી છે. જો કે અમેરિકન થિયેટરમાં ’મેઓના – 2’ એ ટોચ પર તેનું સ્થાન જાળવી રાખ્યું છે.