શ્રાવણી પર્વે અનેરા શણગાર શિવજીના કરાય છે પ્રાંગણમાં સુંદર ગાર્ડન સાથે વૃક્ષોનું સુંદર પ્રાકૃતિક વાતાવરણ શિવાલયની શોભા વધારે છે
શહેરમાં કાલાવાડ રોડ અને યુનિવર્સિટી રોડ છેવાડે વચ્ચે આવેલી પુષ્કરધામ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ૭ માર્ચ ૨૦૦૦માં ‘પુષ્કરનાથ મહાદેવ’ની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય રોડ ઉપર અને સોસાયટીના મુખ્યગેટની બાજુમાં આવેલ આ શિવાલય આસપાસનાં વિસ્તારોનું શ્રધ્ધા ભાવ કેન્દ્ર છે.
આખુ વર્ષ અહી વિવિધ ધાર્મિક આયોજનો થાય છે, પરંતુ ભોળાનાથનાં શ્રાવણમાસે શિવજીના વિવિધ અવનવા શણગાર ભકતજનોનું આકર્ષણ છે. દર સોમવારે સવાર સાંજ આરતી નગારા આરતી થાય છે. આ શિવાલયે અભિષેકની અપાર શ્રધ્ધા ભકતોમાં છે તેથી અહી રૂદ્રી અભિષેક થતા જ રહે છે.
પ્રાંગણમાં શિતળામાતાના મંદિર સાથે કુદરતી વાતાવરણમાં ફૂલ, છોડ, વડ, પીપળો, લીમડો, બીલીપત્રના વૃક્ષા આવેલા છે. આસપાસનાં વિસ્તારોમાં શિવાલયે પ્રત્યે અપાર શ્રધ્ધા-ભકિત હોવાથી લગભગ દરેક ધાર્મિક ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરાય છે. ભકતજનો પોતાના તરફથી પણ ધજા ચડાવે છે. મંદિર તરફથી દર અષાઢી બીજે ધ્વજા રોહણ થાય છે.
શિવરાત્રીએ શિવાલયમાં જ પ્રહરની આરતીનો અનેરો મહિમા છે. સુંદર મંદિર સંચાલન પ્રમુખ અશોકસિંહ જાડેજા સંભાળી રહ્યા છે. ૨૦ વર્ષથી મયુરભાઈગૌસ્વામી મંદિરની પુજા કરી રહ્યા છે. પુષ્કરધામ સોસાયટીના પ્રારંભે જ શિવાલયનું સ્થાપના થયું છે. ત્યારથી રહેવાસીઓમાં ‘ભોળાનાથ’ પ્રત્યે અખુટ શ્રધ્ધા ભાવ છે