શાપર-વેરાવળમાં અનરાધાર વરસાદના કારણે ગુરુવારે પાળ થયું સંપર્કવિહોણુ
જળ તબાહીથી લોકોમાં ભયનું લખલખુ: પાળમાં અંધારા
રાજકોટની ભાગોળે આવેલા શાપર-વેરાવળ પંથકમાં ગઈકાલે ગુરુવારે સાંજે પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરના મવડી વિસ્તારની બાજુમાં આવેલા પાળ ગામમાં નદીઓમાં ઘોડાપુર આવતા ભારે તબાહી સર્જાઈ હતી. પાળની સુપ્રસિઘ્ધ ધાર્મિક સ્થળ જખરાપીરનું મંદિર અડધું પાણીમાં ડુબી ગયું હતું. ગામમાં વરસાદના પાણી ફરી વળતા તમામ વીજપોલ ધરાશાયી થતા હજી અંધારા છવાયા છે. સાતેક કલાક પાળ ગામે સંપર્કવિહોણુ થઈ જતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. નદીમાં પુર ચોકકસ ઓસરી ગયા છે પરંતુ હજી પાળમાં જળપ્રલયની તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ગુરુવારે સાંજે શાપર-વેરાવળ પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ માત્ર ૩ કલાકમાં જ સુપડાધારે ૭ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી હતી. શાપર-વેરાવળના વરસાદનું બધુ પાણી પાળ નદીમાં જાય છે. જેના કારણે નદીમાં ઘોડાપુર આવ્યા હતા. પાળ નદીનું પાણી ગામમાં ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. પાળની સુપ્રસિઘ્ધ જખરાપીરની જગ્યાનું મંદિર અડધુ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આટલું જ નહીં ગામમાં મોટાભાગના વીજપોલ ભારે વરસાદી પાણીના કારણે ધરાશાયી થઈ જવાના કારણે અંધારપટ્ટ છવાઈ ગયો હતો. રાજકોટ અને પાળને જોડતા બેઠા પુલ પરથી બે-બે માથા જેટલું પાણી સળસળાટ પસાર થતું હોવાના કારણે ગામ સંપર્કવિહોણુ બની ગયું છે. મોડીરાત્રે પુલ પરથી વરસાદના પાણી ઓસરતા લોકો પોતાના ઘેર જઈ શકયા હતા. ગામ સંપર્કવિહોણુ થઈ જવાના કારણે લોકો ચિંતિત બની ગયા હતા. મોડીરાત્રે પાળ નદીમાં પુરના પાણી ઓસરતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો.ગઈકાલે જયારે નદીના પુરના પાણી ગામમાં ઘુસ્યા ત્યારે પાળના જખરાપીરની જગ્યાનું અડધાથી વધુ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને મંદિરના ઉપરના ભાગે જવાની સીડી તુટી ગઈ હતી. આજે સવારે પણ મંદિરમાં વરસાદના પાણી ભરાયેલા જોવા મળતા હતા. પાળ ગામમાં ધોધમાર વરસાદ આવ્યો નથી પણ ઉપરવાસના વિસ્તારોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે જળપ્રલય સર્જાયો હતો. લોકોના ખેતરમાં રિતસર વરસાદના પાણી ફરી વળ્યા હતા અને લાખો રૂપિયાની નુકસાની થયાનો અંદાજ છે. ગામના મોટાભાગના વીજપોલ ધરાશાયી થઈ ગયા છે જે કયારે રીપેર થશે તે નકકી નથી. આવામાં હજી પાળમાં કેટલા દિવસ અંધારપટ્ટ છવાયેલો રહેશે તે નકકી કહી શકાય તેમ નથી. આજે સવારે પણ જયારે ‘અબતક’ની ટીમ પાળ ખાતે રીપોર્ટીંગ માટે પહોંચી ત્યારે પણ ગામના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને લોકોના ચહેરા પર પણ ભયનું લખલખુ જોવા મળતું હતું. સવારથી ધીમીધારે વરસાદ ચાલુ હોવાના કારણે લોકોને હજુ પુરપ્રકોપની દહેશત સતાવી રહી છે.