અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકામાં વન્યજીવ છબિકાર ડો.રાહુલ ભાગવતે કરાવ્યું છે અનેરૂ પક્ષી દર્શન
૧૩૦ ચો.કિ.મી. કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલા જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્યમાં ૧૮૦થી વધારે જાતિ અને પ્રજાતિના પક્ષીઓનો અડ્ડો છે. કાળિયા કોશીનો માળો જે સ્થળે જોવા મળે એની આસપાસ બારીકાઇ થી નિરીક્ષણ કરવું જોઈએ.કારણકે પીળક, દુધરાજ, નાચણ જેવા પક્ષીઓ કાળીયા કોશીના માળા નજીક પોતાના માળા બાંધે છે એટલે નિરીક્ષણ કરવાથી એ પક્ષીઓ જોઈ શકાય ઘણાં પક્ષીઓ સમાગમની ઋતુમાં અલગ રંગ ધારણ કરતાં હોય છે જેને બ્રીડીંગ પ્લુમેજ કહેવાય છે.ઘણી પક્ષી પ્રજાતિઓ અવાજથી ઓળખી શકાય છે એટલે નિરીક્ષણની સાથે અવાજ સાંભળવાની ટેવ પક્ષી દર્શનમાં મદદરૂપ બને છે.
વન્ય જીવ છબીકાર ડો.રાહુલ ભાગવત પાંખાળા દેવદૂત જેવા પક્ષીઓના જીવનની વિવિધ ખાસિયતોના ઊંડા અભ્યાસી છે. ઉપરોક્ત જાણકારી તેમણે તાજેતરમાં પરીસરિય પ્રવાસન વિકાસ સમિતિ,ધનપુરી દ્વારા પ્રકાશિત જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકામાં આપી છે. તેમણે વડોદરા વન્ય જીવ વિભાગના દિશા નિર્દેશો હેઠળ આ અગાઉ રતનમહાલની પક્ષી સમૃદ્ધિને લગતી માર્ગદર્શિકા પણ આલેખી છે.
૧૩૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલું જાંબુઘોડા વન્ય જીવ અભયારણ્ય પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારોને આવરી લે છે.જૂની વાત યાદ કરીએ તો વડોદરાના પર્યાવરણવિદ સ્વ. ડો.ગુણવંત ઓઝા અને જાંબુઘોડાના પૂર્વ રાજવીએ આ જંગલને અભયારણ્ય જાહેર કરાવવા માટે ખૂબ અભ્યાસપૂર્ણ રજૂઆતો કરી હતી.
ડો.રાહુલ આ અભયારણ્ય ને કુદરત દ્વારા મધ્ય ગુજરાતને મળેલી અદભૂત ભેટ તરીકે મૂલવે છે. વન સંપદાની દ્રષ્ટીએ સૂકા પાનખર અને મિશ્ર પ્રકારનું આ જંગલ ૧૮૦ થી વધુ જાતિ પ્રજાતિના પક્ષીઓનું નિવાસ સ્થાન કહો કે અડ્ડો છે. અહીં સ્થાનિક અને યાયાવર,બંને પ્રકારની પક્ષી વિવિધતા જોવા મળે છે જેમાં દુધરાજ, પીળક, તુઈ અને સુડો પોપટ, બુલબુલ, વૈયા, માછીમાર ઘુવડ અને વિવિધ પ્રકારના ઘુવડનો સમાવેશ થાય છે.
વડોદરા શહેર થી દોઢ કલાક એટલે કે અંદાજે ૭૦ કિલોમીટરના અંતરે આવેલું આ અભયારણ્ય કુદરત ના ખોળે વિહરવાની ઉત્તમ તક આપે છે.જો કે ચોમાસામાં અહી પ્રવાસીઓનો પ્રવેશ નિષેધ હોય છે. એ સિવાયની મોસમમાં કુદરતના આ લીલા ખજાનાને વન વિભાગની પરવાનગીથી માણી શકાય છે.
બિલાડી કુળનું માંસાહારી પ્રાણી દીપડો આ જંગલનું મુખ્ય પ્રાણી છે.આ ઉપરાંત અહી રીંછ, ઝરખ, વણીયર,તાડ વણીયર, શાહુડી, ઘોરખોદિયું, શિયાળ, ચોશિંગા, નીલગાય અને જંગલી ભૂંડ, ચામાચીડિયાં અને સસ્તન વર્ગના પ્રાણીઓ,વિવિધ પ્રકારના સાપ સહિતના સરીસૃપો, પતંગિયા, કીટકો, કરોળિયા વસવાટ કરે છે. આમ, જીવ વિજ્ઞાનના અભ્યાસની વિશદ તકો આ જંગલ આપે છે.
પક્ષીદર્શન વખતે શું કરશો?
ડો.ભાગવત બહુ સૂચક રીતે પક્ષી દર્શનની રીત સમઝાવતા કહે છે કે પક્ષીઓ જોવા જતા સાથે એક જોડીદાર હોય તો વધુ સારું. પણ બે થી વધુ વ્યક્તિઓ હોય તો ટોળું બની જાય અને નિરીક્ષણની મઝા બગડે. કપડાં પણ ભપકાદાર ન પહેરતા આસપાસના પરિસર સાથે એકરૂપતા સધાય તેવા પહેરવા. આ માર્ગદર્શિકાના આલેખનમાં વડોદરા વન્યજીવ વિભાગના વન સંરક્ષક આરાધના સાહુ, નાયબ વનસંરક્ષક બી. આર.વાઘેલા, મદદનીશ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીના માર્ગદર્શનને તેઓ બહુમૂલ્ય ગણાવે છે અને વિશેષ યોગદાન માટે નિશા ભાગવત અને ક્ષેત્રીય વન કર્મચારીઓને બિરદાવે છે.