અંતે છેક સુધી ૩૦ કિલોની ભરતીની માંગ અધિકારીઓએ ન સ્વીકારી: રાત્રે ૮:૩૦ સુધી મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી
કૃષિ મંત્રીએ ફોન ન ઉપાડતા રોષે ભરાયેલા ખેડૂતોએ રાજકોટના જૂના માર્કેટ યાર્ડ પાસેના રોડ પર કર્યો ચક્કાજામ, જિલ્લા કલેકટર ઘટના સ્થળે દોડી ગયા
ટેકાના ભાવે મગફળી ખરીદવાના ગઈકાલે પ્રથમ દિવસે ભારે ધાંધીયા થયા હોવાનુ સામે આવ્યું છે ત્યારે ઠેક-ઠેકાણે રોષે ભરાયેલા ખેડૂતોએ ધમાલ પણ મચાવી હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ૩૫ કિલોની બદલે ૩૦ કિલોની ભરતી કરવાની ખેડૂતોની માંગ મૌખીક રીતે સ્વીકારવામાં આવી હતી.પરંતુ કોઈપણ જાતની લેખીત સુચના ન મળતા અધિકારીઓએ હાલ ૩૫ કિલોની ભરતી લેખે ખરીદી કરી છે. ઉપરાંત બપોરના સમયે આ મામલે ફરિયાદ કરવા ખેડૂતોએ કૃષિ મંત્રીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કૃષિ મંત્રીએ ફોન ન ઉપાડતા વિફરેલા ખેડૂતોએ રાજકોટના જૂના માર્કેટ યાર્ડ નજીક આવેલા રોડ પર ચકકાજામ કરી રોષ ઠાલવ્યો હતો. આ ઘટનાના પગલે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ઘટના સ્થળે દોડી ગયા હતા.રાજકોટ જિલ્લા સહિત રાજયભરના ૧૨૨ કેન્દ્રો ખાતે ગઈકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રથમ દિવસે મોટાભાગના કેન્દ્રો પર ધાંધીયા જોવા મળ્યાં હતા. જેના લીધે ખેડૂતોએ ધમાલ પણ મચાવી હતી. મોટાભાગના કેન્દ્રો પર ૩૫ કિલોની ભરતીનો વિવાદ જોવા મળ્યો હતો. જો કે, કૃષિ મંત્રીએ મૌખીક રીતે ૩૦ કિલોની ભરતી રાખવાની જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ આ અંગે લેખીત સુચના ન મળતા અધિકારીઓએ ૩૫ કિલોની ભરતી લેખે જ ખરીદી કરી હતી.રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે ત્રણ તાલુકાની મગફળીની ખરીદી ચાલી રહી છે જેમાં પ્રથમ દિવસે ખેડૂતોએ ભરતી મુદ્દે હોબાળો મચાવ્યો હતો જે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેનની મધ્યસ્થીથી થોડીવાર માટે શાંત પડી ગયો હતો પરંતુ બપોરના સમયે ફરી વિવાદ વકરતા ખેડૂતોએ કૃષિ મંત્રીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કૃષિમંત્રીએ ફોન ન ઉપાડતા રોષે ભરાયેલા ખેડૂતોએ રોડ પર ચકકાજામ કર્યો હતો ત્યારે આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયા હતા ત્યારે તેઓએ ખેડૂતોને કહ્યું હતું કે, ૩૦ કિલોની ભરતી કરવી કે ૩૫ કિલોની તે અધિકારીઓને જોવાનું છે. ખેડૂતોએ માત્ર તેની મગફળી ટેકાના ભાવે વેંચવાની છે.મળતી માહિતી મુજબ રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે સાંજે ૫ કલાક સુધી ભરતીના વિવાદના કારણે સેમ્પલની પ્રક્રિયા ચાલી હતી. બાદમાં સાંજે ૫ વાગ્યાથી રાત્રે ૮:૩૦ સુધી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ દિવસે ખરીદ કેન્દ્રો પર બોલાવાયેલા ૪૦ ટકા ખેડૂતોની ગેરહાજરી
ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ છે જેમાં પ્રથમ દિવસે દરેક ખરીદ કેન્દ્રો પર રજિસ્ટ્રેશન પૈકીના ૫૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. ગત ૧લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઈ હતી.
જેમાં પ્રથમ નોંધાયેલા ૫૦ ખેડૂતોને ખરીદીના પ્રથમ દિવસે તેડાવવામાં આવ્યા હતા. તંત્રમાંથી મળતી માહિતી મુજબ મોટાભાગના ખરીદ કેન્દ્રો પર ૪૦ ટકા જેટલા ખેડૂતોની ગેરહાજરી રહી હતી. એક અંદાજ મુજબ રજિસ્ટ્રેશન કર્યા બાદ ઘણા ખેડૂતોએ પોતાની મગફળી નાણાની અછતના કારણે બીજી જગ્યાએ વેંચી નાખી હોવાથી તેઓ પોતાની મગફળી ટેકાના ભાવે વેંચી શકયા ન હતા.