- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી ખરીદીનો શુભારંભ કરાવ્યો
ગુજરાતમાં ખરીફ પાકનું મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકોને ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે
સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સવારે એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.
રાજયમાં મગફળી, મગ, સોયાબિન અને અડદની ટેકાના ભાવે ખરીદી માટે બે કેન્દ્રીય નોડલ એજન્સી તરીકે નાફેડ અને એનસીસીએફને તેમજ બે રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ અને ઈન્ડીએગ્રો ક્ધસોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ગાંધીનગરને જુદા-જુદા જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં મગફળી માટે 160, સોયાબીન માટે 97, મગ માટે 73 અને અડદ માટે 105 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પાકોની નોંધણી અને વાવેતર વિસ્તારના આધારે મગફળી માટે 7, સોયાબીન માટે 6, અડદ માટે 8 તેમજ મગ માટે બે ખરીદ કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25માં મગફળી માટે રૂ.6783, મગ માટે રૂ.8682, અડદ માટે રૂ.7400 તેમજ સોયાબિન માટે રૂ.4892 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તા. 09 નવેમ્બર સુધીની સ્થિતીએ મગફળી માટે 3,46,699, મગ માટે 745, અડદ માટે 283 અને સોયાબીન માટે 23,196 ખેડૂતોની નોંધણી થઈ છે. સાથે જ, આ કેન્દ્ર ઉપર ખરીદી 90 દિવસ સુધી ચાલશે.
ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે.