રાજયનું એક માત્ર લખતરનું યાર્ડ કે જયાં વેપારી પાસેથી કોઈ પણ જાતનો શેસ કે ટેક્ષ લેવામાં આવતો નથી: ચેરમેન ઝાલા
લખતર એપીએમસી ચેરમેન દ્વારા લખતર માર્કેટિંગ યાર્ડને બેઠું કરવા માટે પ્રયાસો હાથ ધરી કપાસની જાહેર હરરાજી શરૂ કરી હતી. જેમાં ખેડૂતોનો સહકાર મળતા 12 દિવસમાં 50 હજાર મણથી વધુ કપાસની આવક નોંધાઇ હતી.જ્યારે સોમવારના રોજ રૂ.1700 મણે ભાવ બોલાતા એક જ દિવસમાં લગભગ 150 ટ્રેકટર ભરીને કપાસની આવક થઈ હતી.
લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં જાહેર હરરાજીમાં ક્યારેય આ વર્ષ જેટલી કપાસની આવક થઈ નથી.
ચેરમેન તરીકે ચૂંટાયેલા હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખેડૂતોને પોતાનો માલ બહાર વેંચવા ન જવું પડે તે માટ ખેડૂત વેપારીઓની બેઠક બોલાવી હતી.
તા.7 ઓકટોબરથી કપાસની જાહેર હરરાજી શરૂ કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના વિઝનને ધ્યાનમાં રાખીને કામગીરી કરતા હોય તેમ ખેડૂત વેપારીઓ પાસેથી કોઈપણ જાતનો શેષ કે ટેક્સ લેવામાં આવતો નથી જેથી તેનો સીધો ફાયદો ખેડૂતોને માલનાં ભાવમાં થઈ શક્યો હતો. આ જાહેર હરરાજી થકી યાર્ડ ધમધમતું થયું છે.આથી છેલ્લા 12 દિવસમાં 50 હજાર મણથી વધુ કપાસની ખરીદ વેચાણ થયુ છે.જ્યારે તા.18-10-21ને સોમવારે એક જ દિવસમાં 150 ટ્રેકટર કપાસ આવ્યો હતો જે એક રેકોર્ડ છે હોવાનુ જણાવાયુ હતુ.
સમગ્ર ગુજરાતમાં હાલમાં લખતરનું એકમાત્ર એપીએમસી એવું છે જે વેપારી પાસેથી કોઈપણ જાતનો ટેક્સ કે શેષ લેવામાં આવતો નથી. જેનો સીધો ફાયદો ખેડૂતોને તેઓનાં માલનાં ભાવમાં થાય છે.