દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરવા ગયેલી પોલીસને પાંચ કાચબાના મૃતદેહ મળતા ખળભળાટ
દેશીદારૂની ભઠ્ઠીઓ માટે કુખ્યાત એવા મોરબી તાલુકાના પીપળી ગામે ગઈકાલે પંચાયત અને પોલીસે સંયુક્ત રીતે રેડ પાડતા અહીંથી રક્ષિત કરાયેલા જળચર જીવ કાચબાના શિકાર કરી મિજબાની કરાતી હોવાના પુરાવા મળતાં પોલીસ ચોકી ઉઠી હતી અને કાચબાના શિકાર મામલે વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ તપાસમાં જોતરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી ગામની સીમમાં ગ્રામપંચાયતે પોલીસને સાથે રાખી દેશી દારૂના અડા પર રેડ કરીને દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી.
જેમાંથી પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો આથો ઝડપી પાડ્યો હતો અને ગુનો નોધી તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ દેશીદારુના અડા પાસેથી મૃત કાચબા મળતા ગામલોકો અને પોલીસ ચોકી ઉઠી હતી.
વધુમાં મોરબીના પીપળી ગામે આવરાતત્વો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ચલાવવામાં આવતા હોવાથી આવા અડા ઉપર ગ્રામપંચાયતે પોલીસની સાથે રહીને દરોડો પાડ્યો હતો. આ દરોડામાંથી દેશી દારૂનો જથ્થો અને આથો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો એ સામાન્ય વાત છે. પરંતુ આશ્ચર્ય જગાડે એવી વાત તો એ હતી કે દેશી દારૂના અડ્ડા પાસેથી પાંચ કાચબાના મૃતદેહો મળ્યા હતા. બાદમાં ગ્રામ પંચાયતના સરપંચે અને પોલીસે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગે પણ તાત્કાલિક ધટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે દેશી દારૂના ધંધાર્થીઓએ સમગ્ર પીપળી પંથકને બાનમાં લીધું છે અને કાચબા સહિતના રક્ષિત વન્ય જીવોના શિકાર કરી મિજબાની માણતા હોવાના પુરાવા મળી આવ્યા છે અહીં હરામી તત્વો દ્વારા કાચબાને પકડી જ્યાફ્ત માણવા ક્રૂર રીતે કાચબાને કુહાડીથી કાપી નાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
કાચબાના શિકાર મામલે ફોરેસ્ટ અધિકારી જાડેજા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતું કે ગ્રામપંચાયત દ્રારા જાણ કરાતા અમે ધટના સ્થળે જઈ મૃત કાચબાના મૃતદેહને લઈ અંતિમ વિધિ હાથ ધરી હતી અને વન્યસરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોધી આરોપીને પોલીસ પકડે ત્યાર બાદ કોર્ટમાં રજુ કરીશું અને વન્યસરક્ષણ નિયમ મુજબ ગુનો નોધી કાર્યવાહી કરશુ.