પડધરીમાં દબાણકારો બેફામ બન્યા છે. જેથી હવે કાયદેસરની જગ્યા તો દીવો લઈને શોધવા નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં મેઈન બજાર, મેઈન રોડ અને હાઇવે ઉપર મળતા પ્રમાણમાં દુકાનો ખડકી દેવામાં આવી છે. આ દબાણો સામે તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું તે પણ મોટો પ્રશ્ન સર્જાયો છે.
પડધરી ગામ તાલુકાના અનેક ગામો માટે મહત્વનું સેન્ટર માનવામાં આવે છે. અહીં દરરોજ આજુબાજુના ગામોમાંથી મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. એટલા માટે પડધરી ગામની મેઈન બજાર અને મેઈન રોડ તેમજ હાઇવે ઉપર દુકાનોનો ધંધો સારો એવો ચાલે છે. જેનો લાભ લેવા લેભાગુ તત્વો દ્વારા મેઈન રોડ, મેઈન બજાર અને હાઇવે ઉપર મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવ્યા છે. સરકારી જમીન, પાણી નિકાલની જગ્યા સહિતની જગ્યાઓ ઉપર દુકાનો ખડકી દઇ લેભાગુ તત્વો દુકાનોમાં ધોમધોકાર ધંધો કરી રહ્યા છે.
મેઈન બજાર- રોડ અને હાઇવે ઉપર ગમે ત્યાં બેખૌફ રીતે દુકાનો ખડકી દેવામાં આવે છે: કાર્યવાહી કરવામાં તંત્રની આળસ કે મિલીભગત?
પડધરીમાં મોટા પ્રમાણમાં દબાણ અંગે સામાન્ય નાગરિક પણ પરિચિત છે. પણ તંત્રને જાણે આ મામલે કઈ ખ્યાલ જ ન હોય તેવો ડોળ ઉભો કરવામાં આવી રહ્યો છે. આ દબાણો હટાવવામાં તંત્ર આળસ કરી રહ્યું છે કે તેની પણ મિલીભગત છે તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. વધુમાં આજ સુધી પડધરીમાં કોઈ ગેરકાયદેસર દુકાનનું ડીમોલેશન પણ હાથ ધરવામાં આવ્યું નથી. જે બાબત અનેક શંકા કુશંકા ઉભી કરે છે. પડધરીમાં હાલ જ્યાં જુઓ ત્યાં દુકાનોનું દબાણ ખડકાઈ ગયું છે. જેના કારણે ચોમાસામાં પાણીના નિકાલની જગ્યાઓ પણ દટાઈ ગઈ હોય લોકોના ઘરમાં પાણી ઘુસી રહ્યા છે. ગામમાં પ્રાંત અધિકારીને વારંવાર અવરજવર કરવાની થતી હોય છે. ત્યારે તેઓ એક વખત સમય લઈને ગામમાં કેટલું દબાણ થયું છે તેની તસ્દી લઈને દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે બજારોમાં તો ઠીક પડધરીની ડોંડી નદી પાસે પણ અનેક દબાણો ખડકાઈ ગયા છે. નદીના વિસ્તારમાં દબાણો કરી અનેક લેભાગુ તત્વોએ ત્યાં વાવેતર પણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી ન હોય આવા તત્વો ફાટીને ધુમાડે થયા છે. હવે તંત્રએ દાખલારૂપ કામગીરી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
એક જાણીતા નેતાની રહેમરાહે ગામમાં ગુનાહિત પ્રવૃતિઓને મળી રહ્યો છે વેગ
એક સમયે પડધરી ગામની મદદથી રાજકીય કારકિર્દી બનાવવામાં સફળ રહેલા એક કદાવર નેતાની રહેમ રાહે ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર જો તંત્ર કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે તો પણ આ નેતાના ભલામણના ફોન રણકી ઉઠે છે અને અધિકારીઓની બદલી પણ થઈ જાય છે. આમ આ ગામમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓ ઉપર નેતાના ચાર હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ નેતા જ્યાં સુધી સતામાં છે ત્યાં સુધી ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા લોકોને તેનો સહયોગ મળતો રહેવાનો છે. માટે આ નેતાને પણ દાઝ ન દયે તેવા અધિકારીઓને પડધરી તાલુકામાં મુકવામાં આવે અને ઉપરી અધિકારી દ્વારા પણ સ્થાનિક અધિકારીઓને સહયોગ આપવામાં આવે તેવી વેપારીઓએ પ્રબળ માંગ ઉઠાવી છે. વધુમાં આ નેતા પણ કાયદા કાનૂનની ગરીમા જાળવી ખોટી ભલામણોનો ધોધ વરસાવવાનું બંધ કરે તેવું વેપારીઓ ઇચ્છી રહ્યા છે.
ગેરકાયદે દુકાનો ખડકી તેને ભાડે પણ ચડાવી દેવાય છે!!
પડધરીમાં અનેક જગ્યાએ દબાણ કરી દુકાનો બનાવી તેને ભાડે પણ ચડાવી દેવામાં આવે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ દુકાન કોઈ લોકલ વ્યક્તિ નહિ પણ આંતરરાષ્ટ્રીય કંપનીઓ શો રૂમ તરીકે ઉપયોગમાં લઈ રહી છે. માત્ર બાંધકામનો ખર્ચો કરી દુકાન બનાવીને અનેક લેભાગુ તત્વો દર મહિને લાખો રૂપિયાનું ભાડું વસુલે છે. આવા કારસ્તાન થઈ રહ્યા હોવા છતાં કેમ તંત્ર આંખ મિચામણા કરે છે તેવો સો મણનો સવાલ દરેક ગ્રામજનોના મનમાં ઉદ્દભવીત થાય છે.