રાજકોટ જિ.ના ધો.1 થી 4 ના 1.81 લાખ બાળકોનો બેઝ લાઈન થશે સર્વે
નવી શિક્ષણ નીતિ અન્વયે શાળાઓમાં નિપુણ ભારત અભિયાન ચાલી રહ્યું છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લાના ધો.1 થી 4 ના 1.81 લાખ બાળકોનો બેઝ લાઈન સર્વે થશે. વર્ષ 2026 સુધીમાં ધો.3 ના બાળકોને 100% સાક્ષર કરવાનો ટાર્ગેટ રખાયો છે. નવી શિક્ષણ નિતીને અનુલક્ષીને ધો.3 ના તમામ બાળકોને વર્ષ 2026 સુધીમાં 100% સાક્ષર બનાવવા માટે સમગ્ર રાષ્ટ્રમાં નિપુણ ભારત મિશન લોન્ચ કરાયું છે.
જે અંતર્ગત ગુજરાતમાં બેઝ લાઈન સર્વે ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં હાલ સર્વે ચાલી રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના 1.81 લાખ બાળકોનો સમાવેશ થશે.
રાજ્યના જી.સી.ઈ. આર.ટી.ના નિયામક ડી.એસ.પટેલ, પ્રાથમિક શિક્ષણ નિયામક એસ.પી.ચૌધરી તથા સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ દ્વારા ડાયરેક્ટર રતનકંવર ગઢવી ચારણના જણાવ્યા મુજબ, ધો.3 ના તમામ બાળકો પાયાગત સાક્ષરતા અને ગણનના નિર્ધારિત કૌશલ્યો અને લક્ષ્યાંકો સુધી પહોચે તે માટે નિપુણ ભારત મિશન ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય મિનાક્ષીબેન રાવલના જણાવ્યા પ્રમાણે, ધો.1 થી 4 માં અભ્યાસ કરતા બાળકોનો સર્વે ચાલી રહ્યો છે.
જેમાં ધો.1 માં ભણતા બાળકનું બાલવાટીકા આધારિત મૂલ્યાંકન તે રીતે ધો.4 સુધી વિદ્યાર્થી જે ધોરણમાં ભણે છે તેના પહેલાના ધોરણનો સમગ્ર અભ્યાસ આવડે છે કે નહિ તે તપાસવામાં આવી રહ્યો છે. 22 મી સુધીમાં મૂલ્યાંકનની ઓન લાઈન એન્ટ્રી કર્યા બાદ રીપોર્ટ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને પાઠવેલા પરિપત્ર જાહેર થશે.