પાંચ એકર સુધીની જમીન ધરાવતા ૮.૭૫ લાખ ખેડુતોની કૃષિ લોન માફ કરશે પંજાબ સરકાર
એક તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ ખેડુતોના દેવામાફીનો પ્રશ્ર્ન દેશભરમાં ઉગ્ર બન્યો છે. જેને સમર્થન પુરુ પાડી કોંગ્રેસ ભાજપ સામે ખડે પગે થયું છે. ખેડુતોના દેવામાફીથી રાજય સરકાર પર ભારણ વધશે. તેવા સમયે ખેડુતોના આ પ્રાણ પ્રશ્ર્નોને લઈને પંજાબ સરકારે મોટો નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહ ખેડુતોના દેવા માફીનું એલાન કર્યું છે. જે ખેડુતોની પાસે ૫ એકર સુધીની જમીન છે તેવા નાના ખેડુતોની બે લાખ ‚પિયા સુધીની કૃષિલોન અને ગરીબ ખેડુતોને બે લાખ ‚પિયાની નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી છે.
પાંચ એકર જમીન ધરાવતા ૮.૭૫ લાખ ખેડુતો સહિત કુલ ૧૦.૨૫ લાખ ખેડુતોને પંજાબ સરકારના આ નિર્ણયનો લાભ મળશે. આ પ્રકારની જાહેરાતથી પંજાબ સરકાર પર ‚ા.૨૪,૦૦૦ કરોડનું વધારાનું ભારણ આવી પડયું છે. આ નિર્ણય સાથે જ ઉતરપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી પંજાબ દેવામાફી કરવામાં ત્રીજું રાજય બન્યું છે. વર્ષ ૨૦૦૮માં યુપીએ સરકારે કરેલી જાહેરાતના ૫૨,૫૨૦ કરોડની કૃષિ લોનના માત્ર ૦.૮ ટકા લોન પંજાબે માફ કરી છે.
ઉતરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલા દેવામાફીના નિર્ણયને પગલે અન્ય રાજયો પર આમ કરવા ભારણ વધ્યું છે. પંજાબની અર્થવ્યવસ્થા હાલ મોટા સંકટમાં છે. તેમ છતાં કેપ્ટન અમરિંદરસિંહે આ પ્રકારનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે ચુંટણી પહેલા તેના ઘોષણાપત્રમાં તમામ ખેડુતોના દેવામાફી કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેની સામે સરકારે માત્ર પાંચ એકર સુધી જ ખેડુતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સીએમ અમરિંદર સિંહે આત્મહત્યા કરનારા ખેડુતોના પરિવારને મળનાર વળતરમાં વધારો કરીને પાંચ લાખ કરી દેવાની જાહેરાત કરી છે.