- રાજ્યનું બજેટ રજુ કરતી વેળાએ નાણામંત્રીની વિધાનસભામાં જાહેરાત
પંજાબમાં આપ સરકાર ડ્રગના દુષ્કર્મ સામેની જંગના ભાગ રૂપે ડ્રગ્સના બંધાણી, વ્યસન મુક્તિ કેન્દ્રો અને અસરગ્રસ્ત વસ્તીની સામાજિક-આર્થિક સ્થિતિનો ડેટા એકત્રિત કરવા માટે ટૂંક સમયમાં પ્રથમવાર આ પ્રકારની વસ્તી ગણતરી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અગાઉ ક્યારેય પણ આ પ્રકારની વસ્તી ગણતરી થઇ નથી.
બુધવારે પંજાબ સરકારનું ચોથું બજેટ રજૂ કરતા નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ કહ્યું હતું કે, રાજ્યમાં લગભગ રૂ. 2.4 લાખ કરોડનો ખર્ચ થશે અને કોઈ નવો કર લાગશે નહિ. વધુમા ચીમાએ કહ્યું હતું કે, કેન્દ્રની પ્રાથમિક જવાબદારી છે કે તેઓ ડ્રગ્સ અને હથિયારોની સરહદ પારની દાણચોરીને અટકાવે. અમે હવે ડ્રગ્સની સરહદ પારની દાણચોરીને સંપૂર્ણપણે રોકવા માટે બે પહેલ કરીને બીએસએફના પ્રયાસોને પૂરક બનાવવાનું નક્કી કર્યું છે. પંજાબ સરકાર હવે ડ્રગ્સના બંધાણી, વ્યસનમુક્તિ કેન્દ્ર તેમજ ડ્રગ્સ બંધાણીના પરિજનોની આર્થિક અને સામાજિક સ્થિતિનો તાગ મેળવવા બંધાણીઓની વસ્તી ગણતરી કરવા જઈ રહી છે. આવી પહેલ કરનાર પંજાબ વિશ્વમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
‘બદલદા પંજાબ બજેટ’માં(બદલાતા પંજાબ બજેટ) સરકાર તમામ પરિવારો (રાજ્યભરના લગભગ 65 લાખ પરિવારો) સુધી વાર્ષિક રૂ. 10 લાખની આરોગ્ય વીમા યોજનાનો વિસ્તાર કરશે. જોકે, બજેટમાં ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન મહિલાઓને 1,100 રૂપિયાના માસિક ભથ્થા અંગે મૌન છે જેનું વચન તેણે આપ્યું હતું. ચીમાએ કહ્યું કે આ એકમાત્ર ચૂંટણી પૂર્વેની ગેરંટી હતી જે અધૂરી રહી હતી, પરંતુ તેની જાહેરાત નજીકના ભવિષ્યમાં કરવામાં આવશે.
બજેટમાં અંદાજિત દેવું લગભગ રૂ. 4.2 લાખ કરોડ છે જ્યારે મહેસૂલ ખાધ રૂ. 23,957 કરોડ છે. 300 યુનિટ મફત ઘરેલુ વીજળી માટે તેની યોજનાને ભંડોળ પૂરું પાડવા માટે, પંજાબે આગામી નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 7,614 કરોડ અને કૃષિ ક્ષેત્રને વીજળી સબસિડી માટે રૂ. 9,992 કરોડ ખર્ચવા પડશે. અસરકારક મહેસૂલ ખાધ અને રાજકોષીય ખાધ અનુક્રમે 2.5% અને 3.8% રહેવાની ધારણા છે.