ડ્રગ રેકેટનું પાકિસ્તાન અને અમેરિકા કનેક્શન : પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી
પંજાબ પોલીસે એક મહિલા સહિત પંજાબ સ્થિત ત્રણ ડ્રગ પેડલર પાસેથી આશરે રૂ. 90 કરોડની કિંમતના 18 કિલો હેરોઈનની રિકવરી બાદ યુ.એસ., પાકિસ્તાન અને ભારતના ડ્રગ પેડલરોને સંડોવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
ગુરદાસપુરના પોલીસ અધિક્ષક હરીશ દાયમાએ ગુરુવારે જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને સહાયક પોલીસ અધિક્ષક આદિત્ય એસ વારિયર અને નાયબ પોલીસ અધિક્ષક સુખપાલસિંહની આગેવાની હેઠળના સ્પેશિયલ સેલે પનિયારમાં સુગર મિલ પર વ્યૂહાત્મક રેઇડ કરી હતી. તેમણે એક કારને અટકાવી તપાસ કરતાં આશરે 18 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. સાથે પોલીસે કેમેરા અને સ્વિફ્ટ કાર પણ જપ્ત કરી છે.
ત્રણ આરોપીમાં જક્કપાલ (સંગરૂર)ના વિક્રંજિત સિંહ, ગુરડી (માનસા)થી કુલદીપ સિંહ અને મિમસા (સંગરુર)થી સંદીપ કૌર તરીકે કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે શંકાસ્પદ દાણચોરો યુએસના મનદીપ સિંહ નામના વ્યક્તિ સાથે સંપર્ક હતા, જે સૂચનાઓ આપી રહ્યો હતો.
સૂત્રોએ સંકેત આપ્યો હતો કે કાશ્મીરથી અજાણ્યા સંપર્કે તેમની કારનો કબજો લીધો હતો, તેમાં પ્રતિબંધિત વસ્તુઓ લોડ કરી હતી અને ત્રણેયને ચાવીઓ પરત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે હિરોઈનની પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં દાણચોરી કરવામાં આવી હતી જે પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ સ્મગલરોની સંડોવણી દર્શાવે છે.