IPL- 2021 વચ્ચે પંજાબ કિંગ્સને એક મોટો ઝટકો લાગ્યો. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પંજાબ કિંગ્સે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ‘શનિવારે રાત્રે કેએલ રાહુલને પેટમાં ભારે દુખાવો થયો હતો. પીડા એટલી તીવ્ર હતી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.’ હવે રાહુલ IPL-2021ની બાકીની મેચ રમવા અંગે કેહવું મુશ્કેલ છે.
આ સાથે પંજાબ કિંગ્સે નિવેદનમાં કહ્યું કે, ‘રાહુલના ઇમરજન્સી રૂમમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટેસ્ટમાં તેને અપેંડિક્સ હોવાનું બહાર આવ્યું હતું. રાહુલને આના ઈલાજ માટે ઓપરેશન કરવું જરૂરી છે. સર્જરી અને સારવાર માટે રાહુલ મુંબઇ પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં રાહુલ આઈપીએલની બાકીની મેચ રમવા અંગે શંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ તેને આરામ કરવો પડશે અને આ કારણે તે બાકીની મેચ રમી શકશે નહીં.
રાહુલની ગેરહાજરીમાં રવિવારે પંજાબ કિંગ્સની કમાન મયંક અગ્રવાલે સંભાળી હતી. રાહુલની સ્થિતિ અંગે મયંકે મેચ બાદ કહ્યું કે, ‘રાહુલ સર્જરી માટે જઇ રહ્યો છે, તે જલ્દી પરત ફરશે.’ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પંજાબની ટીમને દિલ્હી સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.