ખેત વિધેયકને લઇને કોંગ્રેસ દેશવ્યાપી ધોરણે ૨૬ થી ૨૮ સપ્ટે. ‘ખેડૂત સંવાદ’ અને રાજ્યપાલને આવેદન પત્ર પાઠવી કરશે ઉગ્ર વિરોધ
સંસદના શિયાળુ સત્રના અંતિમ ચરણમાં સરકાર દ્વારા પારિત કરવામાં આવેલા મહત્વના ખરડાઓમાંથી ખેતી વિધેયક અંગે ખેડૂતોએ ખેડૂતોમાં ઉભા થયેલા વિરોધોનો મુદ્દો ભારતના રાજકીય, સામાજિક ક્ષેત્રે આગામી દિવસોમાં મોટી ઉથલ-પાથલ સર્જે તેવા સંકેતો મળી રહ્યાં છે. ખેતી વિધેયક સામે વિરોધ નોંધાવી કેટલાક ખેડૂત સંગઠનોએ શુક્રવારના ભારત બંધના એલાનની જાહેરાત કરી છે તેમાં પંજાબના શાસક પક્ષ કોંગ્રેસ, વિપક્ષ, આમ આદમી પાર્ટી સાથે એનડીએના સાથી સભ્યો અને શિરોમણી અકાલી દળે બંધના એલાનને ટેકો જાહેર કરી પંજાબમાં સજ્જડ બંધ થાય તે માટે કવાયત હાથ ધરી છે. જેને લઈને ખુબજ ભયજનક અને સમગ્ર મામલો નવા વળાંક લેતુ દેખાય છે. પંજાબ અને હરિયાણામાં સંપૂર્ણપણે બંધની અસર ઉભી થાય તેવું નિશ્ર્ચિત છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંઘે કરેલી એક આશ્ર્ચર્યજનક જાહેરાતમાં ૩૧ જેટલા ખેડૂત સંગઠનો પંજાબમાં અને હરિયાણામાં ભારતીય કિશાન સંઘના બંધના એલાનમાં રાજ્ય સરકાર સંપૂર્ણપણે ખેડૂતો સાથે હોવાની જાહેરાત કરીને કૃષિ વિરોધી બીલની આ લડત અને દેખાવોમાં રાષ્ટ્ર વ્યાપી હડતાલ દરમિયાન પંજાબમાં કોઈપણ સામે ગુનો કે કલમ ૧૪૪ ભંગ સબબ કાર્યવાહી ન કરવાની જાહેરાત કરીને આશ્ર્ચર્ય સર્જયું છે. મુખ્યમંત્રીએ સ્વયંમએ આ જાહેરાત કરી આશ્ર્ચર્ય સર્જયું છે. જો કે તેણે બંધ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં ખલેલ કે નાગરિક સંપતિને જાનમાલનું નુકશાન ન થાય તેવી તકેદારી રાખવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે પંજાબમાં ખેતી વિરોધી બીલ સામે છુટોદૌર જેવો અભિગમ અપનાવીને મુખ્યમંત્રીના પદની ગરીમા અને રાજધર્મની નિભાવવાની ફરજમાં ક્યાંકને ક્યાંક બાંધછોડ કરી હોય તેવું ચિત્ર ઉભુ થયું છે. ખેડૂતોએ કૃષિ ધારા સામે ત્રણ દિવસનાં રેલ, રસ્તા અટકાવવા અને પંજાબમાં ઘણી જગ્યાએ ગુરૂવારે ખટારાઓ અટકાવી દીધા હતા અને ૧લી ઓકટોબરથી અનિશ્ર્ચિત મુદત સુધી ટ્રેનો અટકાવવાની જાહેરાત કરી છે. હરિયાણાના ભારતીય કિશાન સંઘના ગુરૂનામસિંઘે આ અંગે તેમણે ટેકો જાહેર કર્યો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે ગુરૂવારે કાયદો વ્યવસ્થાની સમીક્ષા માટે બેઠક યોજીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વ્યવસ્થા ગોઠવવાની ડીજીપીને હિમાયત કરી હતી. પંજાબ અને હરિયાણામાં આંદોલનની તૈયારીઓને લઈને દિલ્હી પોલીસે હરિયાણા સરહદ પર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. કોંગ્રેસે પણ ભારત બંધના એલાનને ટેકો આપ્યો હતો. પક્ષના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, ખેડૂતો અને ખેત મજૂરો કાળી મજૂરી કરીને પેટ ભરી રહ્યાં છે ત્યારે સરકાર તેમનો રોટલો છીનવવા તત્પર બની છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી મેદાનમાં આવી છે અને તેમણે ખેતી અને મજૂર સુધારા કાયદાનો વિરોધ કર્યો છે અને તે પ્રજા માટે નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું.
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે ખેત વિધેયકને લઈને આંદોલનકારીઓને છુટોદૌર આપવાની કરેલી હિમાયતે આશ્ર્ચર્ય સર્જયું છે. રાજ્યના મુખ્યમંત્રી જ આંદોલન માટે દેખાવકારોની હિમાયત કરતા હોય ત્યારે ક્યાંકને ક્યાંક રાજધર્મનો પ્રશ્ર્ન ઉભો થઈ રહ્યો છે. ભૂતકાળમાં દેશના રાજદ્વારી ઈતિહાસમાં પદાધિકારીઓને તેમના વરિષ્ઠ પુરુગામીઓએ રાજધર્મ નિભાવવાની યાદી અપાવવાના દાખલા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ દ્વારા રાજધર્મની કરવામાં આવેલી હિમાયતની અગાઉ પણ કેન્દ્રીય કક્ષાના નેતાઓને રાજધર્મની ચૂકને લઈને ક્યાંકને ક્યાંક કિંમત ચૂકવવી પડી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે આજના બંધના એલાનમાં દેખાવકારો સામે ગુનો ન નોંધવા અને તેમની સામે જાહેરનામા ભંગ સુધાના પગલા ન લેવાની કરેલી હિમાયતે ભારે આશ્ર્ચર્ય સાથે આ મુદો આવનાર દિવસોમાં મોટુ રાજકીય સમરાંગન સર્જે તેવું નિશ્ર્ચિતપણે મનાઈ રહ્યું છે. આજના બંધ દરમિયાન દેખાવકારો સામે સરકાર કોઈ પગલા નહીં લે તેવી અગાઉથી જ જાહેરાત કરીને સરકારે આંદોલનકારીઓને છુટોદૌર આપ્યો છે તે સમગ્ર દેશ માટે આંચકાજનક બની રહ્યું છે.
વિમાન મથકો, બંદરો પછી ખેતીને સોનાની સાશક પર ઉદ્યોગપતિઓને લ્હાણી: કોંગ્રેસ
અખિલ ભારતીય કોંગ્રેસ સમીતી ગુજરાતના ઈન્ચાર્જ રાજીવ સાતવે ગુરૂવારે અમદાવાદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પોતાના મળતીયા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ખેતીને સોનાની સાશક પર ધરી દેવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે, ખેતી સંલગ્ન ત્રણ કાયદાઓ દ્વારા કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતને મોટુ નુકશાન કરી રહી છે. આ કાયદામાં ક્યાંય લઘુતમ ટેકાના ભાવોનું વર્ણન નથી. ખેડૂતોને ભાજપ દ્વારા મોટાપાયે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. વિમાન મથકો, બંદરો બાદ હવે ખેતી ક્ષેત્રને ઉદ્યોગપતિને હવાલે કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને ખુબ મોટુ નુકશાન થશે કારણ કે, નવા ખેતી કાયદાથી તેમનું અહિત થવાનું છે તેથી જ કોંગ્રેસ અને અન્ય ૧૨ પક્ષ તેનો વિરોધ કરી રહ્યાં છે.
ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાત કરવા સરકારની તત્પરતા
ખેતી બીલ મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈને સરકારે પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ખેડૂત મુદ્દે સ્પષ્ટ નીતિ ધરાવે છે. કોંગ્રેસ બે મોઢાની રાજનીતિ કરે છે. રાહુલ ગાંધી પોતે પોતાના પક્ષના ચૂંટણી એજન્ડાને અવગણે છે. તેમણે આપેલું વચન મુજબ મોદી સરકારે કામ કર્યું છે. ભાજપના નેતા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતોના ઉદ્ધાર માટેના આ કૃષિ વિધેયક અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહયાં છે. કોંગ્રેસ બે મોઢાની વાત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાત કરવા સરકાર તત્પર છે.