રાહુલ- પ્રિયંકાનું “સિદ્ધુ પાજી” તીર કેપ્ટનને ઘાયલ કરી ગયું??
કેપ્ટને પંજાબમાં ડ્રોનનો ખતરો, ખેડૂત આંદોલન અને ખેડૂતો નેતાઓની સુરક્ષાના મુદ્દે શાહ સાથે કરી ચર્ચા, કેપ્ટન આજે વડાપ્રધાનને મળે તેવી પણ શકયતા
અબતક, નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે મંગળવારે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કોંગ્રેસ માટે અમંગળ લઈ આવશે કે શુ? તેવો સો મણનો સવાલ રાજકારણમાં સર્જાયો છે. જો કે અમરિંદર સિંઘ અગાઉથી જ રાહુલ- પ્રિયંકાએ છોડેલા સિદ્ધુ પાજી નામના તીરથી નારાજ છે. તેવામાં આ મુલાકાતે અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે. અધૂરામાં પૂરું હજુ કેપ્ટન આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી પણ શક્યતા છે.
મુલાકાત દરમિયાન કેપ્ટને પંજાબમાં ડ્રોનના ખતરો, ખેડૂત આંદોલન અને ખેડૂતો નેતાઓની સુરક્ષાના મુદ્દે વાત કરી હતી. તેઓએ શાહ સમક્ષ સેન્ટ્રલ ફોર્સની 25 કંપનીઓ આપવામાં આવે તેવી પણ માગ કરી હતી. જેની તહેનાત જલંધર,અમૃતસર, લુધિયાના, મોહાલી, પટિયાલ, ભઢિંડા, ફગવાડા અને મોગામાં કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેપ્ટને જણાવ્યું કે પ્રદેશના 5 ખેડૂત નેતાઓના જીવને ખતરો છે. આ નેતા પંજાબ અને હરિયાણા પોલીસની સિક્યોરિટી લેવાનો ઈનકાર કરી ચુક્યા છે. તેથી કેન્દ્ર આ નેતાઓની સુરક્ષાની વ્યવસ્થા કરે. તેઓએ કહ્યું કે ખેડૂત આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે. હવે સરહદ પારથી ખેડૂતોને સરકાર વિરૂદ્ધ ભડકાવવામાં આવી રહ્યાં છે. તેઓએ ગૃહ મંત્રી સમક્ષ કૃષિ કાયદાને પરત લેવા માટેનો પણ અનુરોધ કર્યો છે. કેપ્ટને પાકિસ્તાન સરહદ પર તહેનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને એન્ટી ડ્રોન ટેક્નોલોજી આપવાની પણ માગ કરી છે.
કેપ્ટને શાહને જાણકારી આપી તેમાં સૌથી મહત્વની વાત કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનમાં સામેલ ખેડૂત નેતાઓના જીવને ખતરાની વાત છે. તેઓએ 5 ખેડૂત નેતાઓ અંગે જણાવ્યું, જેમના જીવને ખતરો છે તે અંગેના ઈનપુટ ગુપ્તચર એજન્સીઓ પાસે છે. તેઓના નામ સાર્વજનિક નથી કરાયા.આ ઉપરાંત કેપ્ટને પંજાબમાં મંદિરો, RSS શાખા અને ઓફિસ, તેમના નેતા, ભાજપ, શિવસેનાના નેતાઓની સાથે ડેરા, નિરંકારી ભવન સામે પણ ખતરો છે. તેઓએ હાલમાં જ અમૃતસરમાં મળેલી વિસ્ફોટક સામગ્રી અંગે પણ વાત કરી.
કેપ્ટને અમિત શાહ સાથે ખેડૂતોના વિરોધનું કારણ બનેલા કૃષિ સુધાર કાયદાને પરત લેવાનું પણ કહ્યું. તેઓએ કહ્યું કે લાંબા આંદોલનને કારણે સરહદ પારથી તેઓને સરકાર વિરૂદ્ધ ભડકાવવામાં આવી શકે છે, તેથી આ મુદ્દાનું તાત્કાલિક સમાધાન લાવવું જરૂરી છે. તેઓએ કહ્યું કે રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીને જોતા તેનાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.