સરકાર પડી ભાંગવાનો ડર નહીં, જરૂર પડ્યે રાજીનામું આપવા પણ તૈયાર : મુખ્યમંત્રી અમરિંદરસિંહ

કેન્દ્ર સરકારે અમલમાં મુકેલ નવા કૃષિ કાયદાઓને લઈ દેશના વિવિધ ભાગો પર ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે. કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો દ્વારા ભારે વિરોધ દર્શાવાઈ રહ્યો છે. કોંગ્રેસે તો રાજ્યોને પોતાના અલગ કૃષિ કાયદા બનાવી કેન્દ્રીય બીલનો બહિષ્કાર કરવા હાંકલ કરી છે. ત્યારે આજરોજ પંજાબ સરકારે વિધાનસભામાં નવા ત્રણ ખેતી બીલ પસાર કરી દીધાં છે. આ સાથે જ કેન્દ્રીય ખેતી બીલના વિરુદ્ધમાં પોતાના નવા કાયદા પસાર કરનારું દેશનું પ્રથમ રાજય પંજાબ બની ગયું છે.

પંજાબ સરકારના ત્રણ કૃષિ બીલ

પંજાબ વિધાનસભામાં ત્રણ બિલ રજૂ થયા તેમાં ઉત્પાદન સુવિધા કાયદામાં સુધારો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારો, ખેડૂત કરારમાં સુધારો અને કૃષિ સેવા અધિનિયમનો સમાવેશ થાય છે.

સરકાર પડી ભાંગવાનો ડર નથી, જરૂર પડ્યે રાજીનામું આપવા પણ તૈયાર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આજરોજ વિધાનસભામાં કેન્દ્ર સરકારના કૃષિ બીલ વિરુદ્ધ ખરડો રજૂ કર્યો હતો. સીએમ અમરિન્દરસિંહે બીલ રજૂ કરતાં ભાષણમાં તેમણે વિપક્ષી અકાલી દળને આડે હાથ લેતાં કહ્યું કે જો તેમની સરકાર પડી ભાંગે તો પણ ડર નથી પરંતુ તે ખેડૂતોની સાથે છે. જરુર પડ્યે તે રાજીનામું આપવા પણ તૈયાર છે તેમ હુંકાર કર્યો હતો. અમરિંદરસિંહે કેન્દ્ર પર આરોપ મુકતાં કહ્યું કે કેન્દ્રનું કૃષિ બિલ ખેડૂત અને જમીન વિહોણા મજૂરોના હિતની વિરુદ્ધ છે.

જણાવી દઈએ કે, પંજાબ વિધાનસભામાં રજુ કરાયેલા આ બિલમાં એમએસપી (ટેકાના ભાવ) કરતા ઓછી કિંમત આપવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.