- માતા-પિતાને તેડું મોકલી દંડનીય પગલાં લેવાયા : જરૂરી માર્ગદર્શન પણ અપાયું
- પોલીસના તેડાંમાં હાજર નહિ રહેનાર વાલીઓના સંતાનોના 15 વાહનો ડિટેઇન કરી લેવાયા
રાજ્યમાં માર્ગ અકસ્માતમાં દર વર્ષે હજારો લોકો જીવ ગુમાવતા હોય છે ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન થાય અને જીવલેણ માર્ગ અકસ્માતો ઘટે તેના માટે દર વર્ષે રોડ સેફટી માસની ઉજવણી કરી જાગૃતતા ફેલાવવામાં આવતી હોય છે. ઉપરાંત ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા નિયમતોડ વાહનચાલકો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાયવિંગ લાયસન્સ વિના વાહન દોડાવતા 35 વિદ્યાર્થીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. વાલીઓને તેડું મોકલી દંડનીય પગલાં લેવામાં આવ્યા છે તેમજ વાલીઓને આ અંગે જરૂરી સમજણ આપવામાં આવી હતી કે, ડ્રાયવિંગ લાયસન્સ નહિ ધરાવતા બાળકને વાહન આપવું જોઈએ નહિ. ઉપરાંત જે વાલીઓ હાજર ન રહ્યા હતા તેમના સંતાનોના 15 વાહનો પણ ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા.
રાજયમાં વર્ષ-ર023 દરમ્યાન માર્ગ અકસ્માત થવાના કારણે કુલ 7618 લોકો મૃત્યુ પામેલ હતા. જેમાં કુલ જીવ ગુમાવનાર માંથી 1,633 (21%) વ્યક્તિ 26 વર્ષથી નીચેની વયના છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓની માર્ગ સલામતી સુનિશ્ચિત થાય તે માટે ટ્રાફિક શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ સ્કુલ/કોલેજોમાં 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ સ્કુલ/કોલેજોમાં આવવા-જવા માટે ટુ-વ્હીલ/ફોરવ્હીલરનો ઉપયોગ કરતાં હોય છે પરતું તેઓ પાસે આર.ટી.ઓ. દ્વારા ઇસ્યુ થતું વેલીડ લાયસન્સ ધરાવતા ન હોય તેવા વિદ્યાર્થીઓ સામેપોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂજા યાદવ અને મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક શાખા જે.બી.ગઢવી અને ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા કોઇ ભયંકર અકસ્માત કે અનિચ્છીનીય બનાવ ન બને તેમજ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.05/02/2025ના રોજ શહેરી વિસ્તારની અલગ-અલગ સ્કુલ ખાતે કુલ-35 વેલીડ લાયસન્સ ન ધરાવતા વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ સદરહુ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે.