ગોધરા કાંડના ૧૧ દોષિતોની ફાંસીની સજાને પલટાવી નાખવાના હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર
ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ગોધરા કાંડના ૧૧ દોષિતોને ફાંસીની સજા અપાવવાના પ્રયાસો કરશે. ટ્રાયલ કોર્ટે ગોધરાકાંડના દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ ગોધરા કાંડના અનેક આરોપીઓની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે આરોપીના જામીન પર સુનાવણી માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે બંને પક્ષોના વકીલોને આ સમયગાળા દરમિયાન આરોપીઓએ જેલમાં વિતાવેલો સમય અને તેમને થયેલી સજાની માહિતી આપતો ચાર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને કહ્યું કે અમે દોષિતોને ફાંસી પર લટકાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરીશું. આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૯ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનની બોગીને બહારથી લોક કરી આગ લગાડવામાં આવી હતી. જેના કારણે ૫૯ લોકોના મોત થયા હતાં. ગોધરા કાંડમાં ટ્રાયલ કોર્ટે ૧૧ દોષિતોને ફાંસીની સજા અને ૨૦ અન્યને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાંથી હાઈકોર્ટે ૧૧ આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
ગોધરા કાંડના બે દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. હજુ સાત વધુ જામીન અરજીઓ પેન્ડીંગ છે. અબ્દુલ રહેમાન ધંતિયા અને અબ્દુલ સત્તાર, ઈબ્રાહિમ ગદ્દીની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. જેનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોલિસિટર જનરલે કહ્યું કે આરોપીની ભૂમિકા માત્ર પથ્થરબાજી પૂરતી સીમિત નથી. આરોપીઓએ બોગીને બહારથી તાળું મારીને આગ લગાવી દીધી, તો પછી પથ્થરમારો કેવી રીતે થઈ શકે! સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ગોધરા કાંડના દોષિત ફારુકને આજીવન કેદની સજા ફટકાર્યાના ૧૭ વર્ષ બાદ જામીન આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે ગોધરાકાંડમાં અનેક દોષિતોની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. આમાંના ઘણા દોષીઓને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. હવે આ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ તેમની અરજી પર સુનાવણી કરી રહી છે. બેન્ચે દોષિતોના જામીન પર સુનાવણી માટે ત્રણ અઠવાડિયા પછીનો સમય આપ્યો છે. કોર્ટે બંને પક્ષોના વકીલોને આ સમયગાળા દરમિયાન આરોપીઓએ જેલમાં વિતાવેલો સમય અને તેમને થયેલી સજાની માહિતી આપતો ચાર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રેરેસ્ટ ઓફ રેર કેસમાં ફાંસી સિવાય અન્ય કોઈ સજા ન હોય: કેન્દ્ર
ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુનેગારોને લઈને બેન્ચને કહ્યું કે અમે ગુનેગારોને ફાંસી આપવા માટે ગંભીર પ્રયાસો કરીશું. આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૯ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનની બોગીને બહારથી લોક કરી આગ લગાડવામાં આવી હતી.
શું હતો મામલો ?
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ની વાત છે. ૨૬ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી લગભગ બે હજાર કાર સેવકો અમદાવાદ આવવા માટે સાબરમતી એક્સપ્રેસમાં સવાર થયા હતા. જ્યારે ટ્રેન ૨૭ ફેબ્રુઆરીએ ગોધરા પહોંચી ત્યારે એસ-૬ બોગીમાં પથ્થરમારો શરૂ થયો હતો. બોગીને બહારથી લોક કરી દેવામાં આવી હતી અને પછી બદમાશોએ આગ લગાવી દીધી હતી. આગની ઘટનામાં ૫૯ લોકોના મોત થયા હતા. આ મામલામાં ૧૫૦૦ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
પ્રિવેંશન ઓફ ટેરરિઝમ ઓર્ડિનન્સ હેઠળ કરાઈ હતી કાર્યવાહી
સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો થયો હતો. બીજા દિવસે એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨થી ગુજરાતના વિવિધ સ્થળોએ કોમી રમખાણો ફેલાઈ ગયા. આ રમખાણોમાં ૧૨૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં ધરપકડ કરાયેલા લોકો સામે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ ઓર્ડિનન્સ લાગુ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે ગોધરા કાંડ અને ત્યારપછીની ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ હેઠળ એક કમિશનની રચના કરી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦-બી (ગુનાહિત કાવતરું) લાગુ કર્યું. પરંતુ બાદમાં ગોધરાકાંડના આરોપીઓ સામેથી પોટા હટાવી લેવામાં આવ્યો હતો.