અબતક, જામનગર
જામનગર શહેર તથા જામજોધપુર, મોટીખાવડી, સિક્કા, પડાણામાં માસ્ક પહેર્યા વગર નીકળેલા નાગરિકો સામે પોલીસે ગુન્હા નોંધ્યા છે. નગરના બે વેપારી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા મળી આવ્યા છે અને લાલપુર તાલુકાના બાઘલા ગામના યુવકે હોમ કોરોન્ટાઈનનો ભંગ કરતા પોલીસે કાર્યવાહી કરી છે.
જામનગર શહેર તથા જિલ્લામાં અનલોક-૪માં આપવામાં આવેલી કેટલીક છૂટછાટો વચ્ચે પણ કાયદો તથા સૂચનાનો ભંગ થતો હોય પોલીસ દ્વારા વધુ એક વખત સઘન ચેકીંગ શરૃ કરવામાં આવ્યું છે. ગઈકાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
નગરના દિગ્વિજય પ્લોટ ૧૮માં આવેલી રામેશ્વર ભેલ હાઉસ નામની દુકાનમાં ગ્રાહકો ભીડ જમાવી નાસ્તાની વસ્તુઓ ખરીદતા હોય પોલીસે દુકાનના સંચાલક અશોક રવજીભાઈ સરવૈયા સામે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવવા અંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ (બી) તથા આઈપીસી ૧૮૮ હેઠળ ગુન્હો નોંધ્યો છે જ્યારે દરેડ જીઆઈડીસીમાં પટેલ ભજીયા નામની દુકાન ચલાવતા દીપક પરસોત્તમભાઈ સંઘાણીએ પણ પોતાની દુકાને વધુ ગ્રાહકો એકઠા કર્યા હતાં અને પોતે પણ માસ્ક પહેર્યું ન હતું તેથી તેમની સામે કાર્યવાહી કરાઈ છે.
તે ઉપરાંત જામજોધપુર શહેરમાં કિશોરભાઈ મનજીભાઈ કોળી માસ્ક ધારણ કર્યા વગર નીકળતા તેમની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો છે. મેઘપર નજીકના પડાણામાંથી ગંભીરસિંહ કરમસંગ જાડેજા, સિક્કામાંથી કૌશિક પ્રવિણભાઈ લઢેર, મોટી ખાવડીમાંથી ઘનશ્યામસિંહ ગુમાનસિંહ જાડેજા, સિક્કાની હાઉસીંગ બોર્ડ સોસાયટીમાંથી સુરેન્દ્રસિંહ અમરસંગ જેઠવા, સુરેશ ઈશ્વરભાઈ વણકર અને ડીસીસી ગેઈટ પાસેથી જયેશ કૈલાશભાઈ મરાઠી નામના શખ્સો પણ માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતાં.
જામનગર નજીકના હાપાના ખારી વિસ્તારમાંથી અશ્વિનભાઈ ભનુભાઈ કોળી, જગદીશભાઈ દુદાભાઈ પરમાર, મનસુખભાઈ ચનાભાઈ ચાવડા પણ માસ્ક પહેર્યા વગર પસાર થતા પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે લાલપુર તાલુકાના બાઘલા ગામમાં રહેતા ભાવેશભાઈ કેશવજીભાઈ નારીયા (ઉ.વ. ૩૨) નામના યુવાન કોરોના વાયરસથી સંક્રમીત થયા પછી તેઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. તેઓ આ રોગથી અન્ય વ્યક્તિને પણ સંક્રમણ ફેલાઈ શકે તેવી શક્યતા હોવા છતાં ઘરની બહાર નીકળી હોમ કોરોન્ટાઈનનો ભંગ કરતા લાલપુરના જમાદાર સી.ડી. જાટીયાએ ખુદ ફરીયાદી બની તેની સામે ગુન્હો નોંધ્યો છે.