• અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પૂન:વિકાસને કેન્દ્ર સરકારની મંજૂરી
  • 10 હજાર કરોડના ખર્ચે અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઇ રેલવે સ્ટેશનોનો કરાશે પુન:વિકાસ

કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર સત્તારૂઢ હોવાના કારણે આ ડબલ એન્જિન સરકારના લાભ ગુજરાતની જનતાને મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ માદરે વતન ગુજરાત પ્રત્યે ખૂબ જ લગાવ છે. તેઓએ ગુજરાતીઓને નવરાત્રિના પાવનકારી દિવસોમાં મોટી ભેટ આપી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પૂન:વિકાસને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. મોઢેરાના વિશ્ર્વ વિખ્યાત સુર્ય મંદિર જેવું જ અમદાવાદ રેલવે સ્ટેશન બનશે.

દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પુન:વિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને સીએસએમટી, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુન:વિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે રૂ.10,000 કરોડનું રોકાણ સામેલ છે.

IMG 20220928 WA0327

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવવા જઇ રહ્યા છે. આમ, નવરાત્રિના આ દિવસો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવા જઇ રહી છે, ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક સ્ટેશનના લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. આ સાથે જ, દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરશે, જ્યારે મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડીંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોના બિલ્ડીંગોને પુન:વિકસિત કરવામાં આવશે.

IMG 20220928 WA0330

રેલવે મંત્રીએ જણાવ્યું કે, નવી દિલ્હી, સીએસએમટી અને અમદાવાદ રેલ્વે સ્ટેશનોના પુન:વિકાસ માટેના ટેન્ડર આગામી 10 દિવસમાં બહાર પાડવામાં આવશે. આ 3 મુખ્ય સ્ટેશનો સહિત 199 સ્ટેશનોના પુન:વિકાસનો કુલ ખર્ચ રૂ.60,000 કરોડ છે. આગામી 2 થી 3.5 વર્ષના સમયગાળા દરમિયાન અમદાવાદ રેલ્વે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનોના પુન:વિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.