પોલીસ કમિશનરની શહેરીજનોને તાકીદ: સંક્રમણ વધારે ન ફેલાય તે માટે તહેવારોમાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત: જાહેરમાં રંગોત્સવ મનાવવા પર સંપૂર્ણ બ્રેક

વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી ઇનીંગ દિન-પ્રતિદિન જોર પકડતી જાય છે. અને બીજી બાજુ લોકોના મનપસંદ તહેવાર હોળી અને ધુળેટીને પણ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડીને લોકોને નિવેદન સાથે આદેશ કર્યો છે.

પ્રતિવર્ષ ખેલાતા રંગોત્સવ પર આ વર્ષે પૂર્ણ વિરામ મૂકાશે કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે કમિશ્નરે જારી કરેલા નિયમોનું પાલન પ્રજાજનો માટે ફરજીયાત બની ગયું છે.

મનોજ અગ્રવાલે પોતાના નિવેદનમાં તથા જાહેરનામા દ્વારા લોકોને સાવધાન કર્યા છે કે આ વર્ષે હોળી-ધુળેટીનો તહેવાર સાદગીપૂર્ણ મનાવાશે. 28 માર્ચે રાત્રે હોલિકા દહન થશે તેમાં પણ સિમિત લોકોની હાજરી આપવાની રહેશે. અને સમયસર હોલિકા દહનનું ધાર્મિક કાર્ય પૂર્ણ કરવાનું રહેશે. એ સિવાય ધુળેટીના દિવસે કોઇપણ સામુહિક સ્થળો પર હોટલ, ગાર્ડન, કે મંદિરમાં ટોળાઓ સાથે નીકળીને રંગોત્સવ નહીં મનાવાય હાથ મિલાવવો, ગળે મળવું વગેરે સ્પર્શ કરીને ધુળેટી મનાવવા પર આ વર્ષે બ્રેક મારવાની રહેશે.

અગ્રવાલે આ વિશે વધુમાં જણાવ્યું છે કે સંક્રમણ અટકાવવા સઁપૂર્ણ કાળજી લેવાના ભાગરૂપે પોલીસ દ્વારા હાલ દરેક સ્થળોએ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને તેમણે વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે આ બન્ને મુખ્ય તહેવારના દિવસે શહેરમાં પોલીસ અધિકારીઓનો માર્ગ પર બંદોબસ્ત રહેશે. તેથી જે કોઇ નાગરીક દ્વારા નિયમ કાનુનનો ભંગ કરવામાં આવશે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.