સંકટમાં સમયે સમગ્ર દેશ અને રાજકિય પક્ષો એક બનીને ઉભા રહે, આવી બાબતમાં રાજનીતી ન કરવા બાપુની અપીલ
હિન્દુસ્તાનની એકતા, અખંડિતતા અને શાંતિપ્રિય સંવાદિતા પર કઠુરાઘાત કરવા નાપાક આતંકવાદી શેતાનોએ કાયરતા પૂર્ણ બેશરમ હુમલો કર્યો છે. ત્યારે સમગ રાષ્ટ્રનું રકત ઉકળી ઉઠયું છે. વારંવાર પાકિસ્તાનની પનાહમાં આવા માનવતાહીત દુષ્ટતાભર્યા અટકચાળાઓ કરતા માનવ રાક્ષસોને પાઠ ભણાવવા રાષ્ટ્ર એક મત બન્યો છે. કમનસીબી એ છે કે વિશ્વ શાંતિ માટે જેના પર મોટી જવાબદારી છે તેવા યુનાઇટેડ નેશન્સ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો ચુપ છે. દુનિયાની મહાસત્તાઓ ખંધાઇપૂર્ણ મૌન ધારણ કરીને બેઠી છે અને ચીન જેવું કપટી વિસ્તારવાદી રાષ્ટ્ર ખુલ્લેઆમ પાકિસ્તાન જેવા વૈશ્વીક ખતરા સમાન નાપાક રાષ્ટ્રને ટેકો આપે છે ત્યારે પ્રત્યેક ભારતવાસી એ રાષ્ટ્રભાવના દાખવીને શહીદોના લોહી ભીના બલિદાન એળે ન જાય માટે એકતાપૂર્ણ અભિગમ દાખવવો જરુરી છે. આ સંદર્ભમાં પૂજય મોરારીબાપુએ પોતાના રાષ્ટ્ર જોગ સંદેશમાં જણાવ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રૂરતાપૂર્ણ હુમલો કર્યો એમાં આપણા જે જવાનો શહીદ થયા એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે. તે તમામ જવાનોને મારી હ્રદયની પુરી શ્રઘ્ધાંજલી અને તેમની શહીદીને સલામ એમના પરિવારજનોને મારી ઉંડી સંવેદના અને દિલસોજી પાઠવું છું. આવા સંકટના સમયે આખો દેશ અને રાજનૈતિક પક્ષો સહુ એક બનીને ઉભા રહી અને આવી બાબતમાં કોઇ રાજનીતી ન કરે એવી એક સાધુ તરીકે વિનંતી કરું છું.