સૂરિમંત્ર જિનશાસનનો પ્રભાવવંતો અને ગોપ્ય મંત્ર છે. આચાર્ય પદવીના સમયે ગુરુભગવંત દ્વારા આ મંત્ર પ્રદાન કરવામાં આવે છે. ગુરુપ્રદત આ મંત્રની સનિષ્ઠ સાધના કરવામાં આવે તો આજે પણ આ મંત્ર ખુબ જ પ્રભાવશાળી નિવડે છે. જો કે આ મંત્રની સાધના ઘણી કઠીન છે. તેને સિદ્ધ કરવા માટે વિશેષ જપ-તપની સાધના કરવી પડે છે. આ મંત્ર વિશાળ છે. માટે તેને પાંચ વિભાગમાં ગોઠવવામાં આવ્યો છે અને તે તે અંશને સાધવાની પ્રક્રિયા ‘પીઠિકા’ના નામે ઓળખાય છે. કુલ પાંચ પીઠિકા આ મંત્રમાં હોય છે. દરેકના ફળ પણ અલગ અલગ હોય છે.
આ પાંચે પીઠિકાની સાધના બાદ દર વર્ષે પાંચે પીઠિકાની ભેગી ૨૧ દિવસીય આરાધના કરવામાં આવે છે. આ આરાધના દ્વારા અખૂટ ઉર્જા આચાર્ય ભગવંતને સપ્રાપ્ત થાય છે. આ આરાધના પણ ખુબ જ પ્રભાવશાળી છે. આ આરાધનામાં અક્ષત-અખંડ ચોખા ઉપર વિશેષ વિધાન કરવામાં આવે છે. જાગનાથ જૈન સંઘમાં ચાતુર્માસાર્થે બિરાજમાન પૂજય આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજે પાંચેય પીઠની અદભુત સાધના સનિષ્ઠ રીતે પૂર્ણ કરી છે. આ વર્ષે તેઓ શ્રીમદે પુન: ૨૧ દિવસીય જાપ સાધના કરી છે. દિવાળીના શુભ દિનથી શ થયેલ એ જાપસાધના કારતક વદ-પાંચમના દિવસે મંગળવારે પૂર્ણ થશે. આ દિવસે વિશેષ રીતે પૂર્ણાહુતિ પૂજન પણ ભણાવવામાં આવશે. આચાર્ય ભગવંત આ સાધના પ્રાય: એકાંતવાસની આરાધનાપૂર્વક કરી છે. સાથે આ સાધના દરમ્યાન ૧૧ ઉપવાસની આરાધના પણ તેમણે કરી છે. સૂરિમંત્રની સવિશેષ સાધના પૂજયએ કરી છે અને તેના મધુરા ફળ ચતુર્વિધ સંઘને મળ્યા છે.