ગુરૂવારે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પુષ્પદોલોત્સવ
ભગવાન સ્વામિનારાયણના પદરજથીપાવન થયેલી સારંગપુરએક પ્રાચીન ભૂમિ છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સંતોએ ઉત્સવ અને સમૈયા ઉજવીને આ ભૂમિને તીર્થત્વ બક્ષ્યું છે. તેમાં પણ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે વર્ષો સુધી ઉત્સવો અને સમૈયા ઉજવીને સંતો-ભક્તોને ભક્તિ રસથી તરબોળ કર્યા હતા. આજે આજ વારસો પ.પૂ.મહંતસ્વામી મહારાજે જીવંત રાખ્યો છે.
પ.પૂ.મહંતસ્વામી મહારાજ સારંગપુરના આંગણે પધાર્યા. સંત તાલીમ કેન્દ્રના સંતો, યુવા તાલીમ કેન્દ્રનાં યુવકો, સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રો, પ્રમુખસ્વામી મહારાજ વિદ્યામંદિરના બાળકો અને આબાલવૃદ્ધ સૌકોઈ હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ.પૂ.મહંતસ્વામી મહારાજ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરે દર્શન કરવા પધાર્યા હતા જ્યાં સારંગપુર મંદિરના કોઠારી પૂ. જ્ઞાનેશ્વરસ્વામ થીએ સર્વ સંતો-ભક્તો વતી ફૂલહાર દ્વારા પ.પૂ. મહંતસ્વામી મહારાજને વધાવ્યા હતા. તેમનાં દર્શન માત્રથી સંતો, બાળકો, યુવાનો અને વૃદ્ધોમાં અનેરો થનગનાટ, અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સંતો-ભક્તોએ પણ વિશેષ વ્રત-તપ-ઉપવાસ દ્વારા પ.પૂ.મહંતસ્વામી મહારાજને વધામણી આપી હતી.
પ.પૂ.મહંતસ્વામી મહારાજનું સારંગપુરમા રોકાણ તા. ૧૮/૩/૨૦૧૯ થી ૪/૪/૨૦૧૯ સુધી રોજ સવારે ૫.૩૦ વાગે પૂજા દર્શનનો લાભ આપશે. વિશેષ આવતી કાલે હોળીનાં દિવસે વિરાટ સ્વયંસેવક સભાનું આયોજન થયું છે. લગભગ ૧૦ હજાર જેટલા સ્વયંસેવકો અને સ્વયંસેવીકાઓ આ ઉત્સવને સફળ બનાવવા માટે રાત દિવસ જહમત ઉઠાવી રહ્યા છે. મુખ્ય ઉત્સવના દિવસે તેઓને પોતાની સેવામાં ખડે પગે રહેવાનું હોય તેમના માટે એક દિવસ પહેલા પુષ્પદોલોત્સવનું આયોજન થયું છે. જેમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજ પધારી આ ઉત્સવમાં તન, મન, અને ધનથી સેવા કરનાર સર્વ સ્વયંસેવકોને આશીર્વાદ અર્પીને લાભાન્વિત કરશે. ૨૧ માર્ચના રોજ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ વિદ્યામંદિરની બાજુમાં વિશાળ મેદાનમાં આ ઉત્સવની મુખ્ય સભા થશે જેમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજ પધારી ભક્તોને પુષ્પદોલોત્સવ દ્વારા લાભ આપશે.