વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ૧૪ વર્ષ બાદ યશસ્વી અને યાદગાર ચાતુર્માસ કલ્પ સંપન્ન કરી તા.૨૩ના નવકારશી બાદ સકલ સંઘની ઉપસ્થિતિમાં સંઘપતિ કિશોરભાઈ સંઘવીએ ઋણ સ્વીકાર કરતા જણાવેલ કે, પાંચ વર્ષ પૂર્વે મહાપ્રતાપી પૂ.જશાજી સ્વામીની શતાબ્દી ઉજવણીનો લાભ અને ચાતુર્માસ પારલા સંઘને મળે તેવી ભાવના ભાવી હતી. જેના ફલ સ્વરૂપે ચતુર્વિધ સંઘના ચાતુર્માસથી દાન-શીલ-તપ-ભાવમાં અનેરો ધર્મોત્સાહ જોવા મળ્યો. તત્ત્વસભર પ્રવચનોથી ભાવિત થઈ સહુએ શય્યાદાન મહાદાનના સૂત્રને ચારિતાર્થ કરવા ધર્મસંકુલના નૂતનીકરણમાં દાનની સરવાણી વહાવી લાભ લીધેલ છે તે અભિનંદનીય છે.
નૂતનીકરણ તકતીની અનાવરણ વિધિ બાદ ઈસ્ટમાં રાજપુરીમાં હોલમાં રમાબેન રમણીકલાલ ગોયાણી પરિવાર પ્રેરિત વિહાર વળામણા કાર્યક્રમમાં ઉપપ્રમુખ શકુંતલાબેન મહેતાએ ચાતુર્માસના સંભારણા વાગોળીને ફરી ફરી લાભ આપવા વિનંતી કરેલ. સોનાલ ગોયાણીએ ગુરુવંદન ગીત રજૂ કર્યા બાદ વિહારધામ કર્મચારી સન્માનનો ચડાવો ગોયાણી પરિવારે લીધેલ. સંજય, ચેતન, શિલ્પા, દિનેશ-મનીષા ખેતાણી, નાનજી નંદુનું સન્માન કરાયું હતું. ગૌતમ પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાયેલ. સૂત્ર સંચાલન ચંદુભાઈ દોશીએ કરેલ.