દીક્ષા ગ્રહણ સમારોહ 19 તેજસ્વી તારલાઓને વૈદિકવિધિથી શિક્ષણની દીક્ષા અર્પણ કરાય
રાજકોટના અટલબિહારી વાજપેયી ઓડિટોરીયમ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત દિક્ષા-ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ગુરૂકુળ પરંપરા મુજબ પ્રોજેક્ટમાં પસંદ થયેલા 19 તેજસ્વી તારલાઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકોને ભેટ તથા શાલ આપી નવાજવામાં આવ્યા હતા. તેમજ ધો. 10માં ઝળહળતી સફળતા મેળવતાં ટ્રસ્ટના 3 વિદ્યાર્થીઓને ટેબ્લેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ ગરિમાપૂર્ણ અને સંવેદનાથી ભરપૂર કાર્યક્રમ છે, જેનાથી ફલિત થાય છે કે શિક્ષણના માધ્યમથી ’સ્વસ્થ સમાજ, સુરક્ષિત સમાજ, દીક્ષિત સમાજ’નું નિર્માણ શક્ય છે. શાળાકીય જીવનની શરૂઆતથી જ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચિ કેળવવા શાળા પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ જેવા સરકારી અભિયાનો કાર્યરત છે. ગરીબ પરિવારનું બાળક પણ આવડત અને ક્ષમતાથી ભરપૂર હોય છે એટલે આપણે જન્મદિવસ કે પુણ્યતિથિની ઉજવણી જરૂરિયાતમંદોને શિક્ષણ આપીને કરવી જોઈએ. આ સાથે પુજીત રૂપાણી ટ્રસ્ટ સેવાકીય પ્રકલ્પો થકી નિરંતર સમાજની સેવા કરી રહ્યું છે, જે પ્રશંસનીય છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી. અતિથિ વિશેષ કથાકાર જીગ્નેશભાઈ દાદા અને ઉદ્યોગ અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
કાર્યક્રમનો આરંભ મહાનુભાવો દ્વારા રિમોટ કંટ્રોલ થકી દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, તેમજ પુષ્પગુચ્છ અને શાલથી અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રેક્ષકોએ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના વિવિધ પ્રકલ્પોની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ડેપ્યુટી મેયર ી ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદશ્રી રમાબેન માવાણી તથા શહેરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ‘અભાવથી અસર સુધી’
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ’અભાવથી અસર સુધી’ના સૂત્ર હેઠળ ચાલતી સંસ્થા છે. જે ખરા અર્થમાં એવા બાળકો કે જેમના જીવનમાં આર્થિક અભાવ હોય પણ કંઇક કરી છૂટવાની ઘેલછા અને ક્ષમતા હોય તેમના માટે આશિર્વાદરૂપ છે. હાલ ટ્રસ્ટ કુલ ચાર ઓપન પ્રોજેકટ હેઠળ સલ્મના બાળકોને તેમના ઘરે જઈને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં પણ બાળક રમે, ગણે અને ભણે તેવી પદ્ધતિથી ઝૂપ્પડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવાનું કાર્ય કરાઈ રહ્યું છે. ટ્રસ્ટનું બાળ સ્વપ્ન રથ બાળકોને રમવા રમકડાં પુરા પાડે છે. ઉપરાંત સમયાંતરે બાળ રમતોત્સવ પણ યોજવામાં આવે છે. 8મી ઓક્ટોબરના રોજ દર વર્ષે બાળ સંગમ દિવસ તરીકે મનાવવામાં આવે છે જ્યારે બાળકોને એડવેન્ચર પાર્ક સહિતની મજા કરાવવામાં આવે છે.
ચાર પ્રોજેકટ થકી ઝૂંપડપટ્ટીના લોકોને ‘સ્વપ્નના મહેલ’ સુધી પહોંચાડવા પ્રયાસ
ટ્રસ્ટ હાલ ગરીબ બાળકોને ટેકનોલોજીના યુગ સાથે જોડવા અને શિક્ષકનો અભાવ દૂર કરવા પરમવીર કોમ્પ્યુટર પ્રોજેકટ ચલાવી રહ્યું છે જેમાં બાળકોને તેમના ઘર આંગણે કમ્પ્યુટર ઓણ વ્હીલની સેવા આપવામાં આવે છે. જેમાં કમ્પ્યુટરની સાથે સલ્મના બાળકોને ટેકનોલોજી અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા સપ્તસુર સંગીત પ્રોજેકટ ચલાવવામાં આવે છે જેના હેઠળ ગાયન, વાદન શીખવવામાં તો આવે જ છે સાથોસાથ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને તકરૂપી પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયત્નો કરવામાં આવે છે. ઝૂપ્પડપટ્ટીના બાળકોમાં રહેલી કળા વિશ્વ આખું જોવે તેના માટે ટ્રસ્ટ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. ટ્રસ્ટ હેઠળ ચાઈલ્ડ હેલ્પલાઇન પ્રોજેકટ પણ ચલાવવામાં આવે છે જસના હેઠળ હાલ સુધીમાં 1800 થી વધુ બાળકોની મદદ કરવામાં આવી છે. રખડતા, ભટકતાં અને ખોવાયેલા બાળકો માટે આ ટ્રસ્ટ આશાનું કિરણ સાબિત થતું આવ્યું છે.
ફક્ત બાળકો જ નહીં પરંતુ ઝૂપ્પડપટ્ટીની મહિલાઓ પણ અક્ષરજ્ઞાન મેળવી પગભર થાય તેના માટે પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા રસ દીપિકા પ્રોજેકટ ચલાવવામાં આવે છે. આ પ્રોજેકટ હેઠળ મહિલાઓને અક્ષરજ્ઞાનની સાથે સીવણ, મહેંદી, હેન્ડક્રાફ્ટ સહિતનું કૌશલ્ય પ્રદાન કરવામાં આવે છે જેના થકી મહિલાઓ પગભર થઈ શકે છે. ઉપરાંત ઝૂપ્પડપટ્ટીના આર્થિક ગરીબ લોકો બીમારીમાં ન સંપડાય અને જો બીમારીનો ભોગ બને તો તેમને સમયસર અને સચોટ સારવાર એકદમ રાહતદરે મળી રહે તેના માટે સંજીવની યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ફક્ત 300 રૂપિયાના નજીવાદરે વર્ષભર દવા તેમજ નિ:શુલ્ક તમામ ટેસ્ટ કરી આપવામાં આવે છે. તેમજ ફક્ત 30 રૂપિયાના ટોકનદરમાં નિષ્ણાત તબીબોની ચકાસણી મળી રહે છે. હાલ સુધીમાં 55 હજાર લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.
જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ: ઝુપ્પડપટ્ટીના બાળકો માટે આશાનું કિરણ
પુજીત રૂપાણી ટ્રસ્ટ દર વર્ષે જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ હેઠળ ધો. 7માં 85% કે તેથી વધુ માર્ક્સ સાથે પાસ થતા વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ પરીક્ષા લઈને તેમાંથી 20 બાળકોને સેલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ આ બાળકોની અભ્યાસ અર્થેની તમામ જરૂરિયાતો જેવી કે, સ્કૂલ ફી, ટ્યુશન ફી, ચોપડા, મેડિકલ, સાઇકલ સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ઉપાડે છે. આ પ્રોજેકટ હેઠળ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ આજે ડોકટર, સી.એ., એન્જિનિયર, શિક્ષણ ક્ષેત્રે, ફાર્મા સહિતના ક્ષેત્રમાં ખૂબ જ આગળ ધપ્યા છે. છેલ્લા 24 વર્ષથી ચાલતા આ પ્રોજેકટ હેઠળ 267 તારલાઓ આગળ વધીને ઉદાહરણ સ્વરૂપ બનયસ છે. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ ધો. 8ના 19 વિદ્યાર્થીઓને દત્તક લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે આશરે 324 બાળકો અહીંથી પસાર થયા છે જેમાંથી 170 બાળકો સફળ કારકિર્દી બનાવી ચુક્યા છે. ઉપરાંત બે બાળકોને આઈઆઈટીમાં પણ સ્થાન મળ્યું છે.
વિદ્યાર્થી ડોકટર-એન્જિનિયર બનીને પરત ફરે તે ગૌરવની લેવા જેવી બાબત: વિજયભાઈ રૂપાણી
કાર્યક્રમ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ અબતક સાથેની જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ ચાલી રહ્યો છે. જેમાં કોર્પોરેશન સંચાલિત શાળાના ધોરણ 7માં 85% કે તેથી વધુ માર્ક મેળવનાર આશરે 500 વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ પરીક્ષા લઈ 20 જેટલા વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે દત્તક લેવામાં આવે છે. દત્તક લીધા બાદ તે વિદ્યાર્થી જ્યાં સુધી સફળ કારકિર્દીનું ઘડતર ન કરી લે ત્યાં સુધી ટ્રસ્ટ પીઠબળ પૂરું પાડે છે. આજે ભારતીય સંસ્કૃતિ મુજબ યજ્ઞ કરીને બાળકોનો દીક્ષાતં સમારોહ યોજાયો છે. વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને તો તેના પરિવાર અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને છે ત્યારે અત્યાર સુધીમાં 350થી વધુ બાળકોએ આ યોજનાનો લાભ મેળવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ સતત ચાલુ રહેશે અને પુજીત રૂપાણી ટ્રસ્ટ થકી આગળ વધી રાજકોટ શહેરમાં 500-600 વિદ્યાર્થીઓ ડોકટર-એન્જિનિયર બને તે અમારા માટે ગૌરવની વાત છે.
પુજીત રૂપાણી ટ્રસ્ટના દિક્ષાગ્રહણ સમારોહમાં 19 તેજસ્વી તારલાઓને વૈદિકવિધીથી દિક્ષા અપર્ણ કરાય જેનું જીવંત પ્રસારણ બોહળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી નિહાળ્યું હતું.