દર મહિનાના બીજા અને ચોથા શનિવારે યોજાતા કેમ્પમાં નિષ્ણાંત તબીબો સેવા આપશે
રાજકોટમાં પૂજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલના સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લેનાર રોગ એવા કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લે છે જેના પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમયની પણ બચત થાય છે.
જે અંતર્ગત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ, ૧ મયુરનગર, રાજકોટ મહાનગરપાલીકા પૂર્વઝોન કચેરી સામે, નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેનો સમય સવારે ૧૧ થી ૧૨ વાગ્યા સુધીનો રહેશે અને આ માટે રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠત તબીબો ડો. દુષ્યંતભાઈ માંડલીક અને ડો. રશ્મિબેન જૈન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મો, ગળુ, જડબુ સહિત તમામ પ્રકારનાં કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.
વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઈફ સ્ટાઈલ તથા અતિ ખર્ચાળ મેડીકલ ટ્રીટમેન્ટ વચ્ચે કઈ કઈ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને થયું હોય તો વિનામૂલ્યે નિદાન કરાવી મહામૂલી જીંદગી બચાવી શકાય તે માટે હવે શહેરમાં શરૂ થનારી ઝુંબેશનો લાભ એકસપર્ટ ઓપીનીયન દ્વારા દર મહિને બે વાર રાજકોટ, સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો ને મળશે.
ઉલ્લેખનીય છે કે આરોગ્યક્ષેત્રે જરીયાતમંદ પ્રજાજનોની સેવાઓમાટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે જેમાં માત્ર પાંચ પીયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફીઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે આ વિશે વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.