કોર્પોરેશનની એસ્ટેટ શાખા સાથે મિલીભગતના કારણે પુજારા ટેલીકોમ અને હરીઓમ કોમ્યુનિકેશનના મોતના માચડા જેવા હોર્ડિંગ્સ બોર્ડ હજી શહેરમાં લટકી રહ્યા છે: મુખ્યમંત્રી, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અને વિજીલન્સ સચિવને ફરિયાદ
હરીઓમ કોમ્યુનિકેશન એલએલવી અને પુજારા ટેલીકોમ દ્વારા કોર્પોરેશનની મંજુરી લીધા વિના કે લાયસન્સથી ભર્યા વિના શહેરના પોશ વિસ્તારમાં ઓપ્પો અને વિવો મોબાઈલ કંપનીના મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ ખડકી દેવામાં આવ્યા હતા. અવાર નવાર રજુઆત કરવા છતાં કોર્પોરેશનનું તંત્ર માત્ર નોટીસો ફટકારી સંતોષ માની લ્યે છે અને મનઘડત માપણી મુજબ હોડિર્ંગ્સ બોર્ડની લાયસન્સ ફી વસુલી પ્રજાને ઉંધા ચશ્મા પહેરાવે છે જેના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આટલું જ નહીં મુખ્યમંત્રી અને ચીફ જસ્ટીસને લેખિતમાં પણ રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા અને કોર્પોરેશનના કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટે શહેરમાં ખાનગી કંપની હરીઓમ કોમ્યુનિકેશન એલએલબી અને પુજારા ટેલીકોમ દ્વારા શહેરમાં ગેરકાયદે ખડકી દેવામાં આવેલા ઓપ્પો અને વિવો કંપનીના હોર્ડિંગ્સ બોર્ડ મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
અલગ-અલગ ૮ પ્રકારના પુરાવાઓ રજુ કર્યા છે. તેઓએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, ઓપ્પો-વિવોના હોર્ડિંગ્સ બોર્ડ લગાવવામાં આવ્યા છે તેની લાયસન્સ ફી ઉપરાંત ૧૮ ટકા લેખિત વ્યાજ વસુલવા તથા ગેરકાયદે હોર્ડિંગ્સ બોર્ડ ખડકી દેનાર ખાનગી કંપની હરીઓમ કોમ્યુનિકેશન અને પુજારા ટેલીકોમને છાવરતા કોર્પોરેશનના અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજુઆત કરી છે. આટલું જ નહીં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ચીફ વિજિલન્સ કમિશનર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ સહિતનાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં આ પ્રકરણમાં દોષિત જણાય તેની સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા અથવા ૨૦ લાખ વસુલ કરવા, કોર્પોરેશનના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં શહેરના મુખ્ય રાજમાર્ગો પર હરીઓમ કોમ્યુનિકેશન એલએલબી અને પુજારા ટેલીકોમ દ્વારા કોર્પોરેશનની મંજુરી વિના આડેધડ ઓપ્પો અને વિવો કંપનીના હોર્ડિંગ્સ બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા જે અંગે કોંગ્રેસે ઉગ્ર રજુઆત કરી હતી છતાં મહાપાલિકા તંત્ર ભ્રષ્ટાચારી કંપનીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી ન હતી. ફરી વિપક્ષે આ અંગે હાઈકોર્ટમાં ઘા નાખ્યો છે.