ટેલિકોમક્ષેત્રે ગુજરાત સહિત દેશભરમાં ડંકો વગાડનાર પૂજારા ટેલિકોમ-હરિઓમ કોમ્યુનિકેશને હવે ખાનગી એર બસ સેવાના ક્ષેત્રમાં ઉડાન ભરી છે. પ્રથમ તબક્કામાં 6 સીટર હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે ત્યાર પછી ચાર્ટર પ્લેન સેવા શરૂ કરવાની યોજના છે. આ માટે હેલિકોપ્ટર વસાવી લેવાયું છે તેમજ કુશળ પાયલટ, કેપ્ટન સહિતના તાલીમબદ્ધ સ્ટાફની ભરતી કરી લેવામાં આવી છે.
દિવાળીના સમયમાં તહેવારમાં પ્રજાને ચાર્ટર હેલિકોપ્ટરની સેવાનો પ્રારંભ કરવાની વિચારણા છે અને સંભવત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ઇમરજન્સીમાં કોઇ સ્થળે પહોંચવા માટે સેવા ઉપયોગી બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, પૂજારા ટેલિકોમના એમ.ડી. યોગેશભાઇ પૂજારા અને તેના પુત્ર રાહિલભાઇ પૂજારાએ તેમના નવા સાહસ માટે જરૂરી તમામ મંજૂરી મેળવી લીધી છે.
T3 AIR નામથી ચાર્ટર હેલિકોપ્ટર સર્વિસ માટે હેલિકોપ્ટર વસાવી લેવાયું છે. પ્રારંભમાં રાજકોટ-સોમનાથ અને રાજકોટ-દ્વારકા રૂટની સેવા શરૂ કરાશે. બન્ને ધાર્મિક સ્થળ પર નિયત કલાકનું રોકાણ થઇ શકશે, ત્યાર પછીના વધારાના સમયના રોકાણ માટે વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. સિનિયર સિટિઝન માટે ખાસ કનસેશન રેટ રાખવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળ ઉપરાંત હેલિકોપ્ટરમાં રાજકોટ દર્શનની સેવા કરવાની યોજના વિચારણા હેઠળ છે.
અસામાન્ય સંજોગોમાં કોઇ દર્દીને તાત્કાલીક રાજકોટથી અમદાવાદ કે મુંબઇ સારવાર માટે લઇ જવા જરૂરી હોય ત્યારે એક એક ક્ષણ કિમતી હોય છે. આ સંજોગોમાં હવાઇ માર્ગે લઇ જવા તૈયારી હોય તો પણ ફ્લાઇટનો જે સમય હોય ત્યારે જ લઇ જઇ શકાય. ચાર્ટર હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ થવાથી મહામૂલી માનવ જીંદગીને સમયસર સારવાર મળી રહેશે.