અનુભવી બેટસમેન ચેતેશ્વર પુજારા ફરી મેદાનમાં
ચેતેશ્ર્વર પુજારાએ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર સિરીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. ભારતીય ટીમ આ દિવસોમાં ન્યુઝીલેન્ડ સામે ટી.20 સિરીઝ રમી રહી છે. આ શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 1 ફેબ્રુઆરી રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની તૈયારી શરૂ કરશે. જે ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સિરીઝ માટે ટીમમાં નથી તેઓ બોર્ડર-ગાવસ્કર સિરીઝની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્ર્વર પુજારાએ મેદાનમાં પ્રેકટીસના ફોટા શેર કર્યા હતા.
પૂજારા ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો હિસ્સો છે.આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે તેનો રેકોર્ડ ઘણો સારો છે. આવી સ્થિતિમાં તેના માટે ફોર્મમાં રહેવું ખૂબજ જરૂરી છે. પુજારા અત્યાર સુધી ઓસ્ટ્રેલીયા સામે 20 ટેસ્ટ મેચ રમી ચૂકયો છે. 37 ઈનિંગ્સમાં તેણે 54.08ની એવરેજથી 1893 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 10 અડધી સદી ફટકારી છે.જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 204 રન રહ્યો છે.
ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ પહેલા જાડેજાની જબરદસ્ત વાપસી
ભારતીય ટેસ્ટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાના પગલેછેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી અળગો રહ્યો તો ત્યારે રણજી ટ્રોફીથી જબરદસ્ત વાપસી કરી છે. સૌરાષ્ટ્ર તરફથી તમિલનાડુ વિરૂધ્ધ રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ ગુરૂવારે એક ઈનિંગમાં સાત ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. જેના પગલે ટીમ ઈન્ડિયા ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ પહેલા જાડેજાએ ફોર્મ મેળવી લીધું છે.