પૂજારા-રહાણેને ત્રણેય ટેસ્ટમાં રમવાની તક મળી પરંતુ તેમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણેનું રહ્યું નહી
અબતક, નવી દિલ્હી
ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી જ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેના સિલેક્શન સામે સવાલો થઈ રહ્યા હતા પરંતુ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકામાં પણ આ બંને અનુભવી બેટ્સમેનોને સપોર્ટ કર્યો હતો. આ બંનેને ત્રણેય ટેસ્ટમાં રમાડવામાં આવ્યા. જોકે, તેઓ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા.હવે છેલ્લા ઘણાં સમયથી બન્ને બેટ્સમેનો નિષ્ફળ રહેતા આફ્રિકા સામે હારની સાથે પુજારા-રહાણેનું ભવિષ્ય અંધકારમય બની જશે?
નોંધનીય છે કે બંને બેટ્સમેનો છેલ્લા બે વર્ષથી કોઈ સદી નોંધાવી શક્યા નથી. વર્તમાન સીરિઝની વાત કરીએ તો ચેતેશ્વર પૂજારાએ 20.67ની સરેરાશ સાથે 124 અને અજિંક્ય રહાણેએ 22.67ની સરેરાશ સાથે 136 રન નોંધાવ્યા છે. તેમને શ્રેયસ ઐય્યર અને હનુમા વિહારી કરતા પ્રાથમિકતા આપવામાં આવી હતી.નોંધનીય છે કે ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 212 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેને યજમાન ટીમે ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો અને ભારતને સાત વિકેટે પરાજય મળ્યો હતો. અગાઉ પ્રથમ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો અને ત્યારપછીની બંને ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ વિજય નોંધાવીને સીરિઝ 1-2થી જીતી લીધી. મેચ બાદ કોહલીએ ટીમના પરાજય માટે બેટર્સને જવાબદાર ગણાવ્યા હતા. ભારતીય સુકાનીએ કહ્યું હતું કે, બેટિંગના કારણે અમારો પરાજય થયો છે અને અન્ય કોઈ બાબત પર સવાલ ઉઠાવી શકાય તેમ નથી. મહત્વની ક્ષણોએ એકાગ્રતાની ઉણપની કિંમત ચૂકાવવી પડી, વિરોધી ટીમ તે ક્ષણોને પોતાના પક્ષમાં કરવામાં સફળ રહી. સાઉથ આફ્રિકન બોલર્સે અમારા પર ઘણા સમય સુધી દબાણ બનાવી રાખ્યું હતું અને અમને ભૂલ કરવા મજબૂર કરવામાં સફળ રહ્યા હતા.