પ્લાસ્ટીક અંગે ૨૩ સ્થળોએ ચેકિંગ: રૂ.૧૫ હજારનો દંડ વસુલાયો
શહેરમાં જાહેરમાં પેશાબ કરવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલમાં છે છતાં જાહેરમાં પી…પી… કરી શહેરની આબરૂની નિલામી કરતા ૧૩ બેશર્મોને આજે કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્લાસ્ટીક અંગે આજે ૨૩ સ્થળોએ ચેકિંગ દરમિયાન વેપારીઓ પાસેથી ૧૫ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા શહેરના ઓપન યુરીનેશન અને ફાકીના પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના પારેવડી ચોક, નવો આશ્રમ રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં ૨૩ સ્થળોએ પ્લાસ્ટીક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
૧૦.૬ કિલો ગ્રામ પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિલકંઠ સિનેમા પાસે, મયુરનગર મેઈન રોડ, પારેવડી ચોક પાસે અને માલધારી મેઈન રોડ પર વોચ ગોઠવી જાહેરમાં પી..પી.. કરતા બેશર્મોને પકડી દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મધ્ય ઝોનના જુદા-જુદા વોર્ડના જુદા-જુદા વિસ્તારના કુલ ૪૨ આસામીઓ પાસેથી ૭ કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત ચાના કપ, પાન-માવા-ફાકીનું પ્લાસ્ટીક તથા રૂ.૯ હજાર વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. તેમજ જાહેરમાં ન્યુસન્સ કરતા ૭ આસામીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ હતો.