- કામ ન થઇ શકે તેવું હોય તો વિનમ્રતા-વિવેકથી ના કહી શકાય તેવી કાર્ય પધ્ધતિ ઉભી કરો\
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેયમંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ચિંતન શિબિરમાં થશે.
તેમણે કહ્યુ કે, લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ,અધિકારીઓ, કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યુ છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, જો આફતના કપરા સમયે સૌ એક જૂટ થઈને કામ કરી શકે તો રોજ બરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરીટથી પ્રજાના ભલા માટે, લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનું સાચું હાર્દ છે.
તેમણે વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા કહ્યું કે, સૌએ ચિંતનની આદત કેળવવી જ જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન, ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ.
આના પરિણામે આપણા વાણી, વર્તન, વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે તે ‘સ્વ’ના અને સમાજના હિત માટે ઉપયોગી થશે તેવો મત મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ, અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ચિંતન શિબિરમાં સૌ એક થઈને, સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય.
તેમણે અધિકારીઓને પોતાના વિભાગના કાર્યોમાં પોતિકા પણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રજાહિત માટે કર્તવ્યરત રહેવાની શીખ આપતા ઉમેર્યું કે, આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યક્તિ કે સામાન્ય માનવીને સંતોષ થાય, જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા-વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરી છે તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની આ પરંપરામાં ઉતરોત્તર નવા સોપાનો સર કરવામાં મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સૌના મળી રહેલા સહયોગની પણ સરાહના કરી હતી.
ચિંતન શિબિર 2024ના સહભાગીઓને સંબોધતા રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર અમૃતકાળમાં યોજાઇ રહી છે. ચિંતન એ સતત ચાલતી પ્રક્રિયા છે. કામ સાથે હેતુને જોડવાથી કામ વધુ આનંદદાયક અને પરિણામલક્ષી બની રહે છે.
મુખ્ય સચિવએ ચિંતન શિબિરમાં સામેલ અધિકારીઓ પાસે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું હતું કે, કર્મયોગ એ જ વિકાસનો પર્યાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-2047ના આહવાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિકસિત ગુજરાતના ધ્યેયને સિદ્ધ કરવા ચિંતન શિબિરના નિષ્કર્ષને સમાજની અંતિમ હરોળ સુધી લઈ જવો આવશ્યક છે. ચિંતન શિબિરની 11મી કડીમાં લર્નિંગ એક્સપિરિયન્સીસનો નવો આયામ ઉમેરાયો છે. સ્થાનિક કક્ષાએ સહભાગિતા વધારીને ‘વર્કર નહીં, પણ લીડર’ના અભિગમથી સંકલ્પ સિદ્ધિ થઈ શકે છે.
વહિવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ હારિત શુક્લાએ ત્રિદિવસીય ચિંતન શિબિરની રૂપરેખા આપીને સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શરૂ કરાવેલ ચિંતન શિબિર લક્ષ્યકેન્દ્રીત વિચારણાની દિશામાં લઈ જાય છે. અગાઉની ચિંતન શિબિરોના મનોમંથનથી આજે વહીવટી તંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે.
- સોમનાથના દરિયા કિનારે યોગ-પ્રાણાયામ સાથે ચિંતન શિબિરના બીજા દિવસનો આરંભ
- રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ યોગ શિબિરમાં સહભાાગી થયા
સોમનાથ ખાતે યોજાઈ રહેલ 11મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓએ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિર સમીપે દરિયા કિનારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ જોડાયાં હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા.
યોગ શિબિરમાં યોગ ઈન્સ્ટ્રક્ટર દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરાયેલ યોગ પ્રોટોકોલ મુજબ યોગ-પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. જે અનુસાર ઉપસ્થિત સૌ અધિકારીઓ સૂક્ષ્મ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગ આસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી થયાં હતાં.
એક જિલ્લો-એક રમતને પ્રોત્સાહિત કરવી જરૂરી: અશ્ર્વિની કુમાર
સોમનાથ ખાતે યોજાઇ રહેલી 11મી ચિંતન શિબિરમાં રમત-ગમત વિભાગના અગ્ર સચિવ અશ્ર્વિનીકુમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવાં તથા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે રમત-ગમતને પ્રોત્સાહન આપવા શું કરી શકાય તે અંગે ઉપસ્થિત સૌને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે વર્ષ- 2010માં તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી.
વર્ષ: 2036માં યોજાનાર ઓલમ્પિક માટે દેશમાં થઈ રહેલી તૈયારીઓ અંગેનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરતા તેમણે રમત-ગમત ક્ષેત્રે વિજેતા રહેલાં ત્રણ રાજ્યો તેમ જ ત્રણ દેશોની ખાસિયતો, તેની સફળતા તથા તેઓના રમત ક્ષેત્રના મોડલ કઈ રીતે વિકસિત થયાં તેની સામે ગુજરાત રાજ્યનું રમત ક્ષેત્રોનું મોડલ અને ગુજરાતના રમત ક્ષેત્રના આ મોડલને કઈ રીતે વધુ મજબૂત બનાવી શકાય તે અંગેનો રોડ મેપ તેમણે રજૂ કર્યો હતો.
અગ્ર સચિવએ ‘એક જિલ્લો-એક રમત’ની પહેલ, મહિલાઓને રમત ક્ષેત્રે પ્રોત્સાહન, રમત સાથે ફિટનેસને પ્રોત્સાહન, દરેક વ્યક્તિ રમત અને ફિટનેસ બાબતે જાગૃત થાય તે માટે પ્રયાસો વગેરે બાબતે માર્ગદર્શન આપવાની સાથે જિલ્લાના અધિકારીઓ રમત-ગમતનું જિલ્લા કક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરે તે માટે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: હર્ષ સંઘવી
રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં રમત-ગમતના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં આજે 65 લાખ જેટલાં ખેલાડીઓની નોંધણી થઈ ચૂકી છે.
રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે માળખાકીય સુવિધા સાથે સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી.
તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, જિલ્લાના વહીવટી અધિકારીઓ સમયાંતરે ડી.એલ.એસ.એસ. કે સ્પોર્ટ્સ સ્કૂલની આકસ્મિક મુલાકાત લઈને સમીક્ષા કરીને ખેલાડીઓ તથા કોચને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે.