કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષાત્મક ઉપાય અને સાવચેતીના પગલાં: જાહેર સ્થળોએ દવાનો છંટકાવ કરાશે
હાલ ગુજરાતમાં કોરોના વાયરસ સામે નાગરિકોને સતર્ક અને જાગૃત કરવા પ્રશાસન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી રહી છે, તેમજ આ બાબતમાં નાગરિકો વધુ સતર્ક રહે તે માટે સતત પ્રયાસ પણ કરે છે. વર્તમાન સંજોગોમાં વહીવટી તંત્રની સાથોસાથ નાગરિકો પણ જરૂરી જાગૃતતા દાખવે એ ઇચ્છનીય અને આવશ્યક છે. ત્યારે તંત્રે અને લોકોએ કેટલીક બાબતો અંગે કાળજી રાખવાની આવશ્યકતા જણાય છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
નાગરિકોને મ્યુનિ. કમિશનરનો અનુરોધ કર્યો છે કે,
શ્વાસોશ્વાસની સભ્યતા એટલે કે છીંક અને ઉધરસ વખતે નાક અને મોં ઢાંકવું. જાહેરમાં થુંકવું નહિ, નિયમિત રીતે સાબુ અને પાણીથી વારંવાર (ઓછામાં ઓછા ૨૦ સેકંડ) હાથ ધોવા, પોતાના હાથ આંખ, નાક અને હોઠથી દુર રાખવા, હાથ મિલાવવાનું ટાળવું, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું, અન્ય વ્યક્તિઓને તાવ અને ખાંસી હોય તેનાથી સુરક્ષિત અંતર જાળવવું, રોગના લક્ષણો જણાય તો તુરંત નજદીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
શહેરમાં ભીડભાડ વાળી જગ્યા જેવીકે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, એરપોર્ટ, ધાર્મિક સ્થળો, બજારો-મોલ, તહેવારો નીમીતેના મેળાઓ, બાગ બગીચા, લગ્ન પ્રસંગો માટેની વાડીઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સીટી, હોસ્પિટલ, દવાખાના, પ્રવાસન વગેરે સ્થળો જેવી જગ્યા પર મોટી સંખ્યામાં અવરજવર રહે છે જે બાબતે પગલા લેવામાં આવશે જેમાં, જાહેર સ્થળોએ થૂંકનારને દંડ કરવામાં આવશે, જાહેર શૌચાલયમાં નિયમિત સફાઈ કરવામાં આવશે તથા સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા કરવામાં આવશે, બસ સ્ટેન્ડ, રેલ્વે, ટેક્ષી સ્ટેન્ડની તેમજ બસની અંદર નિયમિત સફાઈ કરવા તેમજ આ તમામ સ્થળોએ હાથ ધોવા માટે સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા માટે સંકલન થશે, શાળા, કોલેજ, ટ્યુશન કલાસીસમાં સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા તથા સાવચેતીના પગલા અંગે જાગૃતિ માટે સંકલન, જાહેર સ્થળોની સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી, સફાઈ કર્મચારીઓ કામગીરી દરમ્યાન માસ્ક, બુટ-મોજા પહેરે તેની વ્યવસ્થા કરવામાં આવશે, લગ્ન વાડી, હોલમાં ગંદકી ન થાય તે માટે નિયમિત સફાઈ, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર દવાખાનામાં સાબુ, પ્રવાહી સાબુની વ્યવસ્થા તથા શરદી-ખાંસીના દર્દીઓ સાથેની સુરક્ષિત અંતર જાળવવા જાગૃતિ અંગે સંકલન કરાશે.