ફરિયાદ કરવામાં આવે તો પોલીસ બોલાવી ધમકી અપાતી હોવાના આક્ષેપો
રાજુલાના કોવાયા મુકામે તથા જાફરાબાદનાં બાબરકોટ મુકામે આવલે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના મહાકાય પ્લાન્ટો આવેલા છે. આ પ્લાન્ટો દ્વારા ખૂબજ પ્રમાણમાં પ્રદુષણ ફેલાવવામાં આવે છે. હવામાં ડસ્ટીંગ કરવામાં આવે છે. તેમજ ખાણો ખૂબજ ઉંડી કરવામાં આવે છે. અને છેક દરિયાની નજીક સુધી ખાણોમાં ખોદકામ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્લાન્ટનું ગંદુ પાણી પાઈપલાઈન મારફત દરિયામાં ઠાલવવામાં આવે છે. જે અંગેના તમામ પ્રકારનાં પ્રદુષણના વિડિયોગ્રાફી લોકો દ્વારા મોકલવામાં આવી રહેલ છે. કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવામાંઆવે છે. તે અંગેના મહિલાઓ અને ખેડુતો દ્વારા સોગંદનામા પણ રજૂ કરેલ છે. આ સોંગદનામામાં ખેડુતો અને મહિલાઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે, પ્રદુષણને કારણે શ્ર્વાસના અને ટીબી જેવા રોગો લોકોને થાય છે. આવા રોગોને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થાય છે. આ અંગે કંપનીમાં જાણકરવા છતા કોઈ પણ પગલા લેવાને બદલે પોલીસને બોલાવીને લોકોને ધમકાવવામાં આવી રહ્યાનું બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ સાંખટ, નાગજીભાઈ રાજાભાઈ કવાડ, મોહનભાઈ રાણાભાઈ કવાડ, કાનજીભાઈ રણછોડભાઈ કવાડ, કાનાભાઈ નાહાભાઈ સાંખટ વિગેરે દ્વારા જણાવવામાં આવેલ છે. તેઓએ એવું પણ જણાવેલ છે કે જો તાત્કાલીક આ પ્રદુષણ અટકાવવામાં નહી આવે તો, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.
જયારે કોવાયા મુકામે આવેલ અલ્ટ્રાટેક સીમેન્ટમાં પણ ખૂબજ ડસ્ટીંગ થઈ રહેલ છે. જે અંગેની જાણ તથા વિડિયો ગ્રાફી રામભાઈ દ્વારા મોકલવામાં આવેલ છે. અને તેઓએ જણાવેલછે કે, ગેઈટ નં.9 ટ્રાન્સપોર્ટ ઓફીસની પાછળ મોટા પ્રમાણમાં ડસ્ટીંગ થાય છે. આ ડસ્ટીંગના રજકરણો ફેફસામાં જાય છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે.
કંપની દ્વારા કોરોના કાળમાં ખૂબ ગંભીર રીતે ડસ્ટીંગ થાય છે. જેથી લોકો અનેક પ્રકારનાં રોગનો શિકાર બને છે. તો આ અંગે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ અને કંપની સેફટીના અધિકારી કોઈ યોગ્ય પગલા ભરશે? કે પછી નામ પૂરતી વિઝીટ કરીને સારૂ સારૂ બધુ બતાવવામાં આવશે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.