કોરોનાને મ્હાત આપવા નિયમોનું પાલન આવશ્યક
લોકડાઉન ૪ નો પ્રારંભ થયો છે. ત્યારે લોકડાઉન ૪.૦ માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી જે અંગે રાજ્ય સરકારે નિયમોની યાદી બહાર પાડી હતી. આજે જામનગર જિલ્લા કલેકટરશ્રી રવિશંકર દ્વારા જાહેરનામું બહાર પાડી જામનગરમાં શું શરૂ થશે શું નહીં ની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા સરકારની ગાઈડલાઇન મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ક્ધટેનમેન્ટ ઝોનમાં સવારના ૮ થી બપોરના ૩ સુધી જ આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે. આ ઝોનમાં કામદારો, કર્મચારીઓ, દુકાનદારો ઝોનની બહાર જઈ શકશે નહિ અને અન્ય વ્યક્તિઓ (અધિકૃત અધિકારી અને કર્મચારી) સિવાય અંદર પ્રવેશી શકશે નહિ.
જામનગર જિલ્લામાં માર્કેટ વિસ્તાર, શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનો જે જેની પ્રોપર્ટી કાર્ડ નંબર ઓડ (એકી સંખ્યા) છે તે એકી તારીખે ખુલ્લી રાખી શકાશે અને જેની પ્રોપર્ટી કાર્ડ નંબર ઇવન (બેકી સંખ્યા) છે તે બેકી તારીખે ખુલ્લી રાખી શકાશે. જીએસઆરટીસી બસ સર્વિસનું પરિવહન (અમદાવાદ સિવાય) ચાલુ રાખી શકાશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને રમતગમતના મેદાનો પરવાનગી મેળવીને ખુલ્લા રાખી શકાશે જોકે દર્શકો માટે પ્રતિબંધિત રહેશે. જોકે તમામ શૈક્ષણિક, ટ્રેનીંગ અને રીસર્ચ તેમજ કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે, જીમ, પુલ અને બગીચાઓ પણ બંધ રહેશે. મોલ અને મોલ અંદર આવેલ દુકાનો બંધ રહેશે.
ધાર્મિક સ્થળો અને ધાર્મિક મેળાવડાઓ અને જાહેર કાર્યક્રમ બંધ રહેશે. થીયેટર બંધ રહેશે. અંતિમ યાત્રાઅને અંતિમ સંસ્કારમાં ૨૦ વ્યક્તિને પરવાનગી જયારે લગ્ન પ્રસંગમાં ૫૦ વ્યક્તિને પરવાનગી બંને પક્ષ સહીત આપવામાં આવી છે. વાણંદની દુકાનો , બ્યુટી પાર્લર સોશ્યલ ડીસટન્સ પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. લાઈબ્રેરીમાં ક્ષમતાના ૬૦ ટકા વ્યક્તિઓ સાથે ચાલુ રાખી શકાશે. એસટી બસ સેવા ચાલુ રહેશે. સીટી બસ અને ખાનગી બસ સેવા બંધ રહેશે. ઓટો રીક્ષા, કેબ. ટેક્સીમાં ડ્રાઈવર અને બે મુસાફર બેસી શકશે. હોટેલમાં ફક્ત હોમ ડીલીવરી ચાલુ રાખી શકાશે. જાહેર સ્થળોએ માસ્ક નહિ પહેરનારને ૨૦૦ રૂપીયા દંડ થશે અને જાહેર સ્થળે થૂંકવા બદલ ૨૦૦ રૂપીયા દંડ થશે આ જાહેરનામું સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લાગુ પડશે.